સુરત: ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ખજોદમાં આકાર લઈ રહેલું સુરતનું મેગા સ્ટ્રક્ચર એવું સુરત ડાયમંડ બુર્સ (એસડીબી) વર્ષ ૨૦૨૦ સુધી નિર્માણ થઈ જશે. ૬૦૦૦ કારીગરો, ૯ મહાકાય ક્રેઇન અને ૧૦ હજારથી વધુ સિમેન્ટના બેગના વપરાશથી ચાલી રહેલા બાંધકામના કારણે કુલ ૯ પૈકી પાંચ ટાવરનું ક્રોંક્રિટનું ફ્રેમવર્ક સંપૂર્ણ થઈ ગયું છે. વાર્ષિક રૂ. ૧.૫૦ લાખ કરોડનો સુરતના હીરા ઉદ્યોગનો એક્સપોર્ટ છે. સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગની સાથે ટ્રેડિંગ હબ તરીકે પણ ડેવલપ થાય તેથી ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ૫મી ડિસેમ્બર, ૨૦૧૭થી ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ કરાયું છે. ૫૬૪ દિવસથી ચાલતા બાંધકામથી બુર્સના ૯ પૈકી પાંચ ટાવરનું કોંક્રિટનું ફ્રેમ વર્ક સુધીનું કામ પૂર્ણ થયું છે. ડાયમંડ બુર્સના સીઇઓ મહેશ ગઢવીએ કહ્યું હતું કે, રૂ. ૨૬૦૦ કરોડના અંદાજથી બની રહેલા પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી રૂ. ૧૨૦૦ કરોડથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. કુલ ૪૨ હજાર ટનથી વધુના સ્ટીલના ઉપયોગથી તૈયાર થનારા આ મેગા સ્ટ્રક્ચરમાં ૩૬ હજાર ટનથી વધુ સ્ટીલનો વપરાશ થઈ ચૂક્યો છે જ્યારે રોજિંદુ ૧૦ હજારથી પણ વધુ સિમેન્ટ બેગના ઉપયોગ થકી ૯ જમ્બો ક્રેઇન દ્વારા ડાયમંડ બુર્સને આકાર આપવાનું કામ ચાલી રહ્યું છે.
• અમેરિકાના પેન્ટાગોન કરતાં પણ વધુ મોટા એમ ૬૬ લાખ ચોરસ ફૂટમાં ડાયમંડ બુર્સનું નિર્માણ થશે
• ૧૦ હજારથી વધુ ટુ વ્હીલર અને ૪૫૦૦થી વધુ ફોર વ્હીલરના પાર્કિંગની વ્યવસ્થા
• ૧૫ એકરને ગ્રીન એરિયા તરીકે ડેવલોપ કરાશે.
• તમામ લેન્ડસ્કેપ પંચતત્ત્વ થીમ પર ડિઝાઇન કરાશે.
• ટાવર વચ્ચેની ૩ વીઘા જગ્યામાં લેન્ડસ્કેપિંગ ડિઝાઇન, ૪૨૦૦થી વધુ ઓફિસને વ્યુ મળી શકે.
• દરેક ઓફિસમાં તિજોરીનો લોડ ગણીને બિલ્ડિંગની ડિઝાઇનને આકાર છે. અત્યાર સુધી આવું એક પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું નથી.
• ૯ ટાવરની હાઇટ વધવાની સાથે તમામ એક બીજા સાથે જોડાયેલા હશે જેના કારણે અન્ય સામાન્ય પ્રોજેક્ટની સરખામણીએ કોંક્રિટ અને સિમેન્ટનો વધુ ઉપયોગ.