સુરતઃ મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આનંદીબહેન પટેલે ચોથી ઓગસ્ટે સુરતના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આમ તો તેમણે ત્રીજીએ જ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું, પરંતુ ચોથીએ મુખ્ય પ્રધાન તરીકે તેમને એક છેલ્લા જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. જેમાં તેઓ મૃત્યુ બાદ અંગદાન કરશે તેવી જાહેરાત તેમણે કરી હતી.
આનંદીબહેન પટેલના હસ્તે ડોનેટ લાઇફ સંસ્થાના કાર્યકરો અને અંગદાન કરનારાના સ્વજનોનું જાહેર સન્માન સુરતમાં કરાયું હતું. આ સમારોહમાં ડોનેટ લાઇફ મોબાઇલ એપ્લિકેશન તથા ટોલ ફ્રી નંબર ખુલ્લા મુકાયા હતા. આનંદીબહેને કહ્યું હતું કે, મારા બહેનનું અંગદાન કર્યું ત્યારે જેમને ઓર્ગન મળ્યા હતા તે પરિવારને મળી હતી. એ સમયે તેમના ચહેરા પર આનંદ જોઇ સંતોષ થયો હતો.
અમદાવાદની કિડની હોસ્પિટલને કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીનો દરરજો અપાયો છે. હવે આ યુનિ.માં ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત રિસર્ચ વર્ક થશે. આનંદીબહેને સૂચક ટકોર કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદના ડો એચ એસ ત્રિવેદી ૮૫ વર્ષની વયે પણ દર્દીઓના ઓપરેશન કરે છે જયારે આપણે તો ૭૦ વર્ષ થયા એટલે બહુ થયું એવું માનીએ. રૂપિયાનું ડોનેશન તો બધા જ કરે છે, પણ અંગદાનનો જ મહિમા છે એમ કહીને આનંદીબહેને જણાવ્યું હતું કે, મેં પણ મારા પરિવારજનોને કહ્યું છે કે ભગવાનના ઘરે જવાના હોઇએ ત્યારે મારા અંગોનું પણ ડોનેશન કરી દેજો. જે બ્રેઈન ડેડ છે તેને બે કે ચાર મહિના જીવતા રાખવાનો કોઇ અર્થ નથી. સમય આવે ત્યારે સમયસર નિર્ણય કરી લોકોની જિંદગી બચાવાય તે જરૂરી છે.