અમદાવાદ: રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કિશોર (કુમાર) કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કર્ફ્યુમાં ખુલ્લેઆમ નીકળી પડ્યા બાદ સુરતમાં મહિલા પોલીસ કર્મચારી સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતો હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ૯મી જુલાઈએ રાતે સુરતના હીરાબજારમાં રાતે કર્ફ્યુમાં માસ્ક વગર નીકળેલા પાંચ જણાને નિયમભંગ બદલ કોન્સ્ટેબલ સુનીતા યાદવે અટકાવ્યા હતા. એ પછી ત્યાં કુમાર કાનાણીનો પુત્ર પ્રકાશ આવ્યો હતો અને મહિલા કોન્સ્ટેબલ સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું હતું કે ૩૬૫ દિવસ અહીં જ તને ઊભી રખાવીશ.
મહિલા કોન્સ્ટેબલે મોઢે સંભળાવી દીધું હતું કે, વડા પ્રધાનનો દીકરો હોત તો પણ હું રોકું. પ્રધાનના પુત્રને મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે, મને અહીં ૩૬૫ દિવસ ઊભા રાખશે તેવું કહેવાની સત્તા કોણે આપી? પ્રધાનનો દીકરો છે તો શું થયું? મને અહીંયા ૩૬૫ દિવસ ઊભી રખાવીશ એવું કહેનાર તું કોણ છે? સુનિતા યાદવ નામ છે મારું, યાદ રાખજે, તારા બાપની નોકર નથી, તાકાત હોય તો બદલી કરાવી નાંખજે. બાકી બીજી વાર બોલીશ તો લાઠીથી પુષ્ઠભાગ તોડી નાંખીશ બધાનો. આ બબાલ બાદ મહિલા કોન્સ્ટેબલ રજા પર ઊતરી ગયા કે ઉતારી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઓડિયો મુજબ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશને પીઆઈને ફોન કરીને જાણ કરી ત્યારે ઉપરી અધિકારીએ કહ્યું કે, તમને બંદોબસ્તમાંથી ફ્રી કરવામાં આવે છે. હવે તમારું કોઈ કામ નથી. તમે જાઓ. તેવું જણાવ્યું હતું. જોકે આ સઘળી ઘટનામાં કુમાર કાનાણીને પૂછવામાં આવતાં તેમણે જે યોગ્ય થતું હોય તે કાયદા પ્રમાણે કરવા જણાવ્યું હોવાનું બહાર આવ્યું છે.
પ્રધાનપુત્ર સહિત ત્રણ સામે FIR - ધરપકડ
કિશોર (કુમાર) કાનાણીના પુત્ર અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે થયેલા વિવાદનો ઓડિયો-વીડિયો વાયરલ થતાં આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગરમાયો હતો. પ્રધાન પુત્રની કરતૂત બાદ ચોતરફ ટીકા અને ફિટકાર વરસ્યો હતો. આખરે દબાણ ઉભું થતાં પોલીસનું મનોબળ તોડનારા અને કર્ફ્યુનો ખુલ્લેઆમ ભંગ કરનારા પ્રધાન પુત્ર અને તેના બે મિત્રો સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી. પ્રધાન પુત્ર અને તેના બે મિત્રો સામે કોરોના મહામારી વધુ ફેલાય એ રીતે બેદરકારીપૂર્વક ફરી લોકોની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો નોંધવા સાથે ૧૨મીએ ત્રણેયની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.