સુરતઃ રૂ. ૫૦૦-૧૦૦૦ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકતાં સુરતમાં મોટાપાયે થતાં રોકડિયા વેપારની કમર તૂટી ગઈ છે. રીટેઇલ વેપારની સાથે રીઅલ એસ્ટેટ, ડાયમંડ તથા જ્વેલરી અને કાપડ માર્કેટ પણ લકવાગ્રસ્ત બની ગઈ છે. આર્થિક જાણકારોના મતે શહેરના આ ક્ષેત્રોના વાર્ષિક ૫૦૦૦ કરોડના રોકડ વ્યવહાર પર માર્ચ સુધી બ્રેક લાગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે થઈ રહેલા વેપારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બાંધકામ ક્ષેત્રે પણ રૂ. ૧૫૦૦ કરોડનો વ્યવહાર ઠપ્પ થશે. શહેરના ૧૦૦ પ્રોજેક્ટની કિંમત રૂ. ૧૦ કરોડથી લઈને ૧૦૦ કરોડને પાર છે જેમાં ૪૦ ટકા વેપાર રોકડમાં થાય છે. આ ઉપરાંત તહેવારોને જોતાં કોમર્શિયલ અને રેસિડેન્સિયલ બંને જગ્યાઓએ બુકિંગ રેશિયો ઊંચો રહ્યો છે.
રૂ. ૫૦૦-૧૦૦૦ની નોટ પર લાદવામાં આવેલા પ્રતિબંધ સામે ૧૫૦૦ કરોડથી વધુનો રોકડ વેપાર અટકી જાય તેમ છે. જેની અસર ત્રણ વર્ષ સુધી રહેશે. જ્વેલરી સેક્ટરને જોતાં રૂ. ૭૦૦ કરોડનો ફટકો પડે તેમ લાગે છે. જ્વેલરી વેપાર પૈકી ૭૦ ટકા ઘરેણાં અને ૩૦ ટકા બુલિયનમાં રોકાણ થાય છે. જેમાં તહેવારો સમેતનો આંકડો વાર્ષિક ૧૬૦૦ કરોડ જેટલો હોય છે. આ પૈકી અડધો વેપાર રોકડમાં થાય છે. તેમાં પણ ક્રિસમસ અને લગ્નસરાંની સિઝનમાં રોકડ વ્યવહાર વધુ થાય છે.