સુરતઃ સંજયનગર ઝુપડપટ્ટીમાં ૧૦મી મેએ શરદી, ખાંસી, તાવના સર્વે માટે ગયેલા ૪ મહિલા સહિત છ હેલ્થ વર્કર સાથે લોકોએ ઝઘડો કરીને કહ્યું કે, ‘તુમ એનઆરસી કેલિએ આતે હો. અબ યહાં આયે જલા દેંગે. આ ધમકી આપવા સાથે કેટલાક લોકોએ કહ્યું કે, અમારા થૂંકવાથી તમને કોરોના થશે અને મરી જશો. આવું કહેવા સાથે હેલ્થ વર્ક પર લોકો થૂંકવા લાગ્યા હતા.
દોબારા આયે તો કેરોસીન ડાલ કે જલા દેંગે
સુરત પાલિકામાં પ્રાયમરી હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા ધર્મેન્દ્ર નરેન્દ્ર જોશીએ કહ્યું કે, અમારા અધિકારીની સૂચનાથી અમે કમેલા દરવાજા સંજયનગર ઝુપડપટ્ટી ક્લસ્ટર ઝોનમાં ઘરે ઘરે શરદી, ખાસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરેના સર્વે માટે ગયા હતા. કોરોના અંગેના સર્વેની કામગીરીમાં દરેક ઘરે ચોકથી નિશાન કરવાનું કામ અમે કરીએ છીએ. આ સાથે હોમિયોપેથીની દવા પણ આપીએ છીએ. ૧૦મી મેએ સવારે હું પોતે અને આશા વર્કર વિદ્યાબહેન, લેસવાલા તૌકીર, માલદેવ વાઢિયા અને વૈભવી પટેલ સંજય નગર ઝુપડપટ્ટીમાં ગયાં હતાં.
ગલી નંબર ૨માં સર્વે માટે ગયા તો લોકો રહીશ મહિલાઓએ કહ્યું કે, કિસકો પૂછ કે અંદર આયે? ચોક સે માર્ક ક્યોં કર રહે હો? નીકલ જાઓ. તુમ સર્વે કે લિએ નહીં એનઆરસી કે લિએ આતે હો. મુસલમાનો કો ભગાને કે લિએ આતે હો. આવું કહી અમારા મોઢેથી માસ્ક ખેંચી લીધા અને અમારા આઈ કાર્ડના અને અમારા ફોટા પાડી ધક્કા મારીને કહ્યું કે, દોબારા આયે તો કેરોસીન ડાલ કે જલા દેંગે. આ ઘટના બાદ પોલીસે કેટલાક સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.