સુરતઃ કોરોના વધ્યા બાદ મોતનો આંક વધતાં મરણ ક્રિયાના સામાનના વેચાણમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. મરણ ક્રિયાના સામાન વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા અમે દિવસમાં ત્રણથી પાંચ મરણ ક્રિયાનો સામાન વેચતા હતા. પરંતુ માર્ચથી ઓચિંતો વેચાણમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે એટલે કે છેલ્લા દોઢ મહિનાથી અમે દરરોજ ૧૦ થી ૨૦ મરણ ક્રિયાના સામાનની કીટ વેચતા થયા છીએ. પહેલા અમે કાસ્ટ મુજબ મરણ ક્રિયાની કિટ તૈયાર કરતા હતા. જોકે, હવે કોરોના વાઇરસથી મોત થતા અમારે કોવિડ-૧૯ની મરણ ક્રિયાની કિટ બનાવવાની ફરજ પડી છે. જેમાં અમે લોટી, માટલી, કોડીયુ, અગરબત્તી, ઘીનું પાઉચ, સુખડનો હાર અને કાપડ આપીયે છે. જે પછી સ્મશાન ગૃહનો કર્મચારી મૃતકના પરિવારના એક સભ્યને કોરોનાની ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરાવતો હોય છે. રાંદેર રોડની શ્રીજી સ્ટોર્સના પંકજ બોઘાવાલાએ કહ્યું કે, મંદિરમાં પ્રસાદી, કેરોસીન, રાશન અને ટિકિટ સહિતની લાઇનો જોઈ હતી, પરંતુ અહીં પણ લાઈન જોવા મળે છે. અમે રોજના બેથી ત્રણ મરણ ક્રિયાની કીટ વેચતા હતા. પણ હવે ૧૫ થી ૨૦ જેટલી વેચીએ છીએ.