સુરત શહેરમાં છેલ્લા એક જ વર્ષમાં ૧.૬૭ લાખ નવા વાહનો ઉમેરાયા છે. એટલે કે રોજ નવા ૪૫૮ વાહનો રસ્તા પર આવે છે. દર વર્ષે આ સંખ્યા વધી જ રહી છે. ગત વર્ષની સરખામણીએ સુરત શહેરમાં ૩૭ હજાર વાહનોનો વધુ વધારો થયો છે. એક તરફ સુરતમાં વધી રહેલી વાહનોની સંખ્યાએ મહાપાલિકાને વ્હિકલ ટેક્ષમાં મોટો ફાયદો થયો છે. તો બીજી તરફ ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. જેટલી ઝડપે મહાપાલિકા નવા રસ્તા બનાવી શકતી નથી કે પછી તેને પહોળા કરી શકતી નથી, તેનાથી અનેકગણી ઝડપથી સુરતમાં વાહનોની સંખ્યા વધે છે. વાહનોની વધતી સંખ્યા જોતા સુરતમાં ભવિષ્યમાં રસ્તા પર વાહનો સિવાય બીજું કંઇ ન દેખાય તો નવાઈ નહીં હોય. કદાચ લોકો ચાલતા રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બનશે.