સુરતઃ જમીન અને પૈસાની લેતીદેતીના મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા અને સુરત મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા પ્રફુલ્લભાઈના નાનાભાઈ ભરત તોગડિયા, એસ્ટેટ બ્રોકર અને ફાયનાન્સર બાલુ હિરાણી અને તેના મિત્ર અશોક પટેલની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ૧૫મી મેએ હત્યા કરાઈ હતી. જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.
આ ત્રિપલ હત્યાના બનાવમાં ઘટનાસ્થળે આવેલાં સીસીટીવીના ફૂટેજના આધારે અને તપાસ બાદ પોલીસે ઈમરાન સૈયદ, ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડન અને ગણેશ ગોયાણી સહિતના શખસોની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી બાતમીના આધારે ૧૬મી મેના રોજ એક યુવતીનું નામ ખૂલ્યું હતું અને પોલીસે તપાસના આધારે કોમલ ગોયાણી નામની યુવતીની ધરપકડ કરી હતી તેની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કોમલ ગોયાણી ગૌતમ ગોયાણીની બહેન છે અને તેને બાલુ હિરાણી પાસેથી રૂ. પચાસ લાખ લેણાં નીકળતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. મર્ડર બાદ કોમલે આરોપીઓને ભાગવામાં મદદ કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે.