સુરતઃ મહાનગર પાલિકાની હદમાં આવેલાં મકાન કપાતમાં જતાં હોવાનું કહી જો મકાનો બચાવવા હોય તો રૂ. ૧૦ લાખની લાંચ આપવી પડશે તેમ કહી રકઝકના અંતે રૂ. ૮ લાખ આપવાનું નક્કી થયાનું બહાર આવ્યું છે. પ્રથમ તબક્કામાં રૂ. પચાસ હજાર આપ્યા પછી મામલો એસીબી સુધી પહોંચ્યો. બીજા તબક્કાના રૂ. ૩ લાખ લેવા આવેલા ના. મામલતદાર સહિત બે લાંચના છટકામાં સપડાયા. લાંચના છટકાની કામગીરી પૂર્ણ કર્યા પછી ખ્યાલ આવ્યો કે ખરેખર નાયબ મામલતદાર પણ નકલી છે! તેની પાસેથી ઓળખ પત્ર મળ્યું તે પણ નકલી હોવાનું ફલિત થયું હતું. લિંબાયત વિસ્તારમાં કેટલાંક મકાનો કપાતમાં આવતા હોવાથી આ મકાનના માલિકો ચિંતામાં મૂકાયા હતા. તેવામાં જગદીશ હેમરાજ વરુ (ઓળપાડ)નો સંપર્ક થયો હતો. જેણે પોતાની ઓળખાણ હોવાનું કહી અન્ય એક વ્યક્તિ ભાવિન દિનેશ ઠક્કર (અમદાવાદ)નો સંપર્ક કરાવ્યો હતો. ભાવીને પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપી હતી અને સુરત પાલિકાના ડેપ્યુટી કમિશનર, ટાઉન પ્લાનર એધિકારી (ટીપીઓ) સાથે પરિચય હોવાનું કહી મકાન બચાવી લેવાની વાત કરી હતી.