સુરતઃ સુરત મહાનગરપાલિકાની ૨૨મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે સુરત ભાજપના હોદ્દેદારોએ ૧૪મી નવેમ્બરે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો.
આ ચૂંટણી ઢંઢેરામાં ઉડીને આંખે વળગે તેમ પાટીદાર અનામત આંદોલનનો ઓછાયો, ડર, ગભરાટ અને ચિંતા દેખાતી હતી.
પાટીદારોને રીઝવવા સુરત ભાજપે ગાંધીનગરના મહાત્મા મંદિરની જેમ સુરતમાં સરદાર મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. એ સિવાય ભાજપે પાલિકાના ગત બજેટમાં જે વાત કરી હતી તે જ રીપિટ કરી હતી. જોકે, સુરત શહેર ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીએ પાટીદારોની વોટ બેંકને ધ્યાનમાં રાખીને સરદાર મંદિરની જાહેરાત કરાઈ નથી પણ એક વર્ષ પહેલાની યોજનાને હાથ પર લેવાઇ છે એમ કહ્યું હતું.
સુરત ભાજપના પ્રમુખ પૂર્ણેશ મોદીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું હતું કે ભાજપે જે કહ્યું તેનાથી વધારે કર્યું છે અને તેનાથી વધારે કરીશું. માસ ટ્રાન્સપોર્ટ, ૨૪ કલાક પાણી, ઇ- ગર્વનન્સની જૂની પિપૂડી વગાડવામાં આવી હતી.