સુરતઃ શહેરમાં આવેલા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટર્સ પ્રા. લિ.માં છેલ્લા ત્રણ વર્ષથી સપ્લાયર તરીકે નોકરી કરતો યુવાન સોમવારે ૨૫૦૦ કેરેટ રફ હીરા લઈને ભાગી છૂટતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ વ્યાપ્યો છે. આ હીરાની કિંમત અંદાજે રૂ. બે કરોડથી વધુ હોવાનું કંપનીના સત્તાધીશો કહે છે. જોકે પોલીસને હીરાની કિંમત રૂ. ૩૫ કરોડથી વધુ હોવાની આશંકા છે.
પોલીસના જણાવ્યા મુજબ સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયાના પરિવારની માલિકીની કંપની શ્રીરામકૃષ્ણ એક્ષ્પોટર્સ પ્રા. લિ. (એસઆરકે) કંપનીની ઓફિસ કતારગામ નગીનાવાડી વિસ્તારમાં આવેલી છે. છેલ્લા ત્રણ વર્ષથી કંપનીમાં સપ્લાયર તરીકે નોકરી કરતો ૨૨ વર્ષીય સાગર રમેશભાઈ કપુરીયા (મૂળ રહે. જામદાદર ગામ, તા. જામકંડોરણા, રાજકોટ) સોમવારે સવારે ૮.૧૫ વાગ્યે નિત્ય ક્રમ મુજબ છઠ્ઠા માળે ગેલેક્સી વિભાગમાં હીરા લેવા ગયો હતો. સાગરે ગેલેક્સી વિભાગના મેનેજર ધર્મેશભાઇ ઠુંમરને ફાઇનલ એન્ટ્રી જેટલી લઇ જવાની છે એટલી આપો તેમ કહેતાં ધર્મેશભાઇએ જુદા જુદા વજનના ૭૧૦ પેકેટમાં ૨૫૪૬ કેરેટ રફ હીરા તેને આપી ડાયરીમાં અને પ્રિન્ટની કોપીમાં સહી કરાવી હતી. સાગરે તમામ હીરા પાંચથી સાત મિનીટમાં પાંચમા માળે પિયુષભાઇ પાસે જમા કરાવવાના હતા. પરંતુ લગભગ ૮.૩૦ વાગ્યાના અરસામાં અન્ય સપ્લાયર હિતેશ વિરાણી ફાઇનલ એન્ટ્રી લેવા ધર્મેશભાઇ પાસે આવતા તે ચોંક્યા હતા.
સાગર એન્ટ્રી લઇ ગયો છે, તેમ કહેતાં હિતેશ વિરાણીએ પાંચમા માળે જઇ તપાસ કરી તો તે હીરા લઇ પહોંચ્યો જ ન હતો. આથી આ અંગે ઉચ્ચ સત્તાધિશોને જાણ કરાઇ હતી. તેમણે કંટ્રોલ રૂમમાં જઇ સીસી ટીવી ફૂટેજ ચકાસતા સાગર હીરાના પેકેટો પોતાની કાળા રંગની લેપટોપ બેગમાં મૂકી દાદર ઉતરવાને બદલે ગુડ્ઝ માટેની લીફટ દ્વારા ગ્રાઉન્ડ ફલોર ઉપર ઉતરી સ્વીમીંગ પૂલ તરફ બહાર નીકળવાના દરવાજેથી ૮.૩૫ કલાકે બહાર જતો નજરે ચઢ્યો હતો. બાદમાં આ અંગે કંપનીના માલિકો અને પોલીસને જાણ કરાઇ હતી.