સુરતઃ ચાર મહિના પહેલાં જન્માષ્ટમીએ થયેલા લઠ્ઠાકાંડમાં સુરત પોલીસને બદનામી મળ્યા પછી પોલીસ કમિશનર અને રેન્જ આઈ.જી.ની બદલી કરવામાં આવી હતી. હવે ચાર મહિનામાં જ બીજી વખત સર્જાયેલા લઠ્ઠાકાંડના લીધે પોલીસ ફરી મુશ્કેલીમાં છે. ઉત્તરાયણના દિવસે દારૂ પીધા બાદ અત્યાર સુધીમાં સાત જેટલી વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસ તપાસમાં જણાયું છે કે, જેરામ મોરારની વાડીમાં રહેતી મહિલા બુટલેગર શીલા ને ત્યાંથી પ્લાસ્ટિકની કોથળીમાં મળતો દારૂ પીધા પછી લઠ્ઠાકાંડ સર્જાયો છે. આ મામલે ચાર જણાને પોલીસે ડિટેઈન પણ કર્યા હોવાનું જાણવા મળે છે.
આ લઠ્ઠાકાંડનો પ્રથમ કેસ ૧૬ જાન્યુઆરીએ બહાર આવ્યા બાદ પોલીસે કરેલી તપાસમાં માલૂમ પડ્યું કે, લઠ્ઠાકાંડને કારણે જે પણ માણસો મોતને ભેટ્યા હતા તે તમામ જેરામ મોરારની વાડી પાસેના પોકેટ વિસ્તાર અને તેની આસપાસ રહેતા હતા. એક માણસ તો લઠ્ઠો પીને જેરામ મોરારની વાડી પાસેના બ્રિજ નીચેથી બેભાન મળ્યો હતો. જેનું બાદમાં મોત નીપજ્યું હતું. દરમિયાન ઝેરી દારૂ પીધા બાદ ઉગરી ગયેલા પુષ્કર સિંહે પોલીસને જણાવ્યું કે, તેણે અન્યો સાથે જેરામ મોરારની વાડી વિસ્તારની શીલાને ત્યાંથી દારૂ લઈને પીધો હતો.
પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે, દેશી દારૂથી નહીં, પણ શીલાને ત્યાંથી છૂટક મળતા ઈંગ્લિશ દારૂથી લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ ઘટનામાં સૌ પ્રથમ કીર્તિસિંહનું મોત થયું હતું. એ પછી તેની સાથે દારૂ પીનારા બાદરનું પણ મોત થયું હતું, પરંતુ બંનેના શબના વતન લઈ જઈને અગ્નિસંસ્કાર થતાં પોલીસ અટવાઈ હતી. જોકે તેમની સાથે દારૂ પીનારો પુષ્કર ઉગરી ગયો હતો. તેથી ઘટનાનો ખુલાસો થયો.
કલર અને કેમિકલનો વપરાશ
શીલા અને તેના સાગરીતો વિદેશી દારૂની બોટલને ખાલી કરીને તેમાં પાણી નાંખી દારૂનો જથ્થો કદાચ વધારતાં હશે, પણ વ્હિસ્કીનો મૂળ કલર જાળવવા તેમાં કલર નાંખતા હશે અને માઈલ્ડ દારૂને સ્ટ્રોંગ બનાવવા મિથેનોલ પણ ઉમેરતા હશે જેની ઝેરી અસર આ તમામને થઈ હોવાનું પોલીસ ચકાસી રહી છે.
આ થયા સસ્પેન્ડ
• એએસઆઈ અહમદ કરીમ સૈયદ • સુભાષ ઠાકોર • રાજેન્દ્ર કલ્યાણસિંહ • કોન્સ્ટેબલ ધર્મેશ લલ્લુ • સરદારસિંહ ધનજીભાઈ • ચોકી કોન્સ્ટેબલ મહેશ વિઠ્ઠલ