સુરતઃ ૩૧મી જુલાઈએ પોક્સો કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારતો ગુજરાતનો સૌ પ્રથમ ચુકાદો આપ્યો હતો. ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ યાદવે તેના ઘરની નજીક રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને પોતાના રૂમમાં લઇ જઇ તેની સાથે હેવાનિયત આચરી હતી. દુષ્કર્મ આચર્યા બાદ તેનું પાપ છાપરે નહીં ચઢે તે માટે માસૂમની હત્યા કરી લાશ કોથળામાં ભરી રૂમમાં સંતાડી દીધી હતી.
ઠંડા કલેજે માસૂમનું મર્ડર કર્યા બાદ રૂમને તાળું મારી પોતે વતન બિહાર ફરાર થઇ ગયો હતો. આ ગુનાને કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવ્યો છે. માસૂમ બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ટ્રાયલ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક ચાલી હતી. ઓક્ટોબર, ૨૦૧૮માં બનેલા આ અપરાધ બાદ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી અનિલ યાદવની ધરપકડ કરી હતી. આ કેસમાં લિંબાયત પોલીસે માત્ર એક માસમાં જ કેસની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દીધી હતી. જાન્યુઆરી માસના અંતિમ દિવસોમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જફ્રેમ થયા બાદ ફાસ્ટ ટ્રેક કેસ તરીકે સુનાવણી શરૂ થઇ હતી. માત્ર છ માસના ટૂંકાગાળામાં જ કેસની સુનાવણી પૂરી કરી એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો.