ઓર્ગન ડોનેટની સામાજિક પ્રવૃત્તિ કરી જાગૃતિ લાવાનારી ડોનેટ લાઇફ સંસ્થાએ રાજ્યમાં પ્રથમ બોન બેંક (હાડકાં સંગ્રહ કરતી બેંક)ની શરૂઆત સુરતમાં કરવાની તૈયારી હાથ ધરી છે. સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલા કહે છે કે, સુરતના ઓર્થોપેડિક સર્જન્સની સલાહ પછી તેમણે બોન બેંક શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને આ બેંકને વધુ સુવિધાક્ષમ બનાવવા માટે પણ શહેરના ઉત્તમ તબીબોની તેઓ સલાહ લેતા રહેશે. આ બેંકમાં દાનમાં મળેલા અને શરીરને ઉપયોગમાં લઈ શકાય તેવા હાડકાં-પેશીઓનો સંગ્રહ થશે જેથી હાડકાંના રોગ કે ફ્રેક્ચરની સમસ્યામાં શરીરમાં લોખંડની પ્લેટ્સ, સ્ક્રૂ, સળિયો મુકાવવામાંથી દર્દીને છુટકારો મળે.
આ બેંકમાં એવાં હાડકાં અને પેશીઓનો સંગ્રહ કરાશે જેનો ફરી વિકાસ શક્ય હોય. આનાથી બોન કેન્સર કે ગંભીર સંક્રમણની બીમારીથી પીડાતા દર્દીઓની મદદ કરી શકાશે. સંગ્રહ થનારા હાડકાંને બેથી ત્રણ વર્ષ સુધી સાચવી શકાશે. નીલેશ માંડલેવાલા કહી છે કે, બેન બેંક પ્રોજેક્ટ સફળ રહે એ પછી ભવિષ્યમાં સ્કિન બેંક પણ શરૂ કરવાનું આયોજન છે.
સ્કિન બેંક પણ શરૂ કરવી છે
આગ-અકસ્માતના શરીરે-ચહેરાના ભાગની ચામડી બળી જતી હોય છે. ત્યાં પ્લાસ્ટિક સર્જરી કરાય છે. પરંતુ તે માટે ચામડી મેળવવી મુશ્કેલ બને છે મોટેભાગના કિસ્સામાં દર્દીના શરીરના અન્ય ભાગેથી સ્કિન લેવાય છે, પરંતુ જરૂરિયાત પ્રમાણે ચામડીની અછત સર્જાય છે. સ્કીન બેંકમાં દાનમાં મળતી સ્કિન જરૂરિયાત દર્દી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. માટે સ્માર્ટ સિટીની જરૂરિયાત મુજબ બોન બેંક બાદ સ્કિન બેંક પણ શરૂ કરવાની ડોનેટ લાઇફની વિચારણા છે.
ઓરિસ્સામાં દેશની પ્રથમ બોન બેંક કાર્યરત છે
દેશની પ્રથમ બોન બેંક ઓરિસ્સાના કટક મેડિકલ કોલેજ ખાતે શરૂ કરાઈ છે. ત્યાં ગરીબ દર્દીઓ માટે બોનમેરોની સુવિધા પણ વિનામૂલ્યે છે. હોસ્પિટલના હેમેટોલોજી વિભાગે બોનમેરો પ્રત્યારોપણ છે. જ્યારે અસ્થિ વિભાગ બોન બેંકની સુવિધા પૂરી પાડે છે. ત્યાંની સરકાર હસ્તકની આ બેંક દેશની આ પ્રથમ બોન બેંક છે.