સમયની સાથે લોકોની સામાજિક વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું છે. એક સમયે શહેરના વરાછા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રના વતનીઓ ખૂબ જ રૂઢીચુસ્ત ગણાતા હતા. પરંતુ હવે આ વિસ્તાર જ વારંવાર સમાજલક્ષી નવી પહેલ કરીને અન્ય લોકોને નવી પ્રેરણા આપે છે. ગત સપ્તાહે અહીં એક અનોખી સ્મશાનયાત્રા નીકળી, જે આ શહેરના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર જોવા મળી હતી. એક વૃદ્ધાની એવી અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માત્ર મહિલા ડાઘુઓ જોડાયા હતા.
અહીંની કાશીનાથ સોસાયટીના રહેવાસી એવાં ગજરાબા નામનાં એક વૃદ્ધાની આ સ્મશાનયાત્રા હતી. તેમને કોઇ સંતાન નહોતું અને તેમના પતિનું પણ નિધન થઇ જતાં તેમની જવાબદારી પાડોશીઓએ ઉપાડી હતી. સોસાયટીના રહીશો જ તેમને બે ટાઇમનું ભોજન આપતા હતા. આ વૃદ્ધાની વ્યથા શાંતિદૂત મહિલા મંડળ ચલાવતા મધુબેન ખેની સુધી પહોંચી હતી. મધુબેન તેમને તેમના વૃદ્ધાશ્રમમાં લઇ આવ્યા હતા અને ત્રણ વર્ષથી તેમની સેવા કરતા હતા. ગજરાબાની બંને કિડની ફેઇલ થઇ હતી. ગજરાબાએ એક વખત તેમની અંતિમ ઇચ્છા જાહેર કરી કે તેમને કાંધ મધુબહેન અને અન્ય મહિલા જ આપે.
દરમિયાન ૧૫ ફેબ્રુઆરીએ તેમનું અવસાન થતાં તેમની અંતિમયાત્રા લંબે હનુમાન રોડથી વરાછા રોડ અને ત્યાંથી અશ્વિનીકુમારરોડ થઇને સ્મશાનગૃહે પહોંચી હતી. આ સ્મશાનયાત્રા જ્યાંથી પસાર થઇ ત્યાં એક ક્ષણ માટે તો લોકોના શ્વાસ પણ થંભી ગયા હતા. કારણકે, આવી સ્મશાનયાત્રા કોઇ દિવસ જોઇ ન હતી કારણકે, તમામ ડાઘુઓ મહિલાઓ જ હતી. મહિલાઓ જે કાંધ પણ આપી અને અગ્નિદાહ પણ આપ્યો હતો.