અમદાવાદઃ સુરત શહેરને મેટ્રો રેલનો લાભ આપવા માટે હાઈપાવર કમિટી દ્વારા ૧૩મીએ સુરત મેટ્રો રેલના બે રૂટને મંજૂરી આપવામાં આવી છે. જેના માટે રૂપિયા ૧૨૮૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. મંજૂર થયેલા રૂટના પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવા હાઈપાવર કમિટીની મંજૂરી મળી ગઈ છે. છારાથી ડ્રીમ સિટી અને ભેંસાણ ડેપોથી સરોલી સુધીના બે રૂટો અત્યારે નક્કી કરાયા છે.
ગાંધીનગરના હાઈપાવર કમિટીની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સુરત રેલ પ્રોજેક્ટ માટે ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા ડીએમઆરસીને સૂચનાઓ આપી દેવાઈ છે. ૪૦ કિ.મી.ની લંબાઈના આ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટને બે કોરિડોરમાં વિભાજિત કરાયો છે. સુરત શહેર માટે મેટ્રો પ્રોજેક્ટ અંગેના જે બે રૂટ નક્કી કરાયા છે તેના વચ્ચે જ મેટ્રો રેલવેની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ કોરિડોર સુરતમાં તૈયાર કરવા માટે ડીપીઆર તૈયાર કરવા ૨૦૧૬માં દિલ્હીમાં મેટ્રો રેલ કોર્પોરેશનને જણાવ્યું હતું જુલાઈ-૨૦૧૬માં ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો તે સંદર્ભે હાઈપાવર વિકલ્પો સહિત નિરીક્ષણ કરવા જણાવ્યું હતું. આ ડીપીઆર આગામી ફેબ્રુઆરી સુધીમાં આખરી ઓપ અપાશે