સુરતઃ વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટિ ચાલમાં અમરદીપ (ઉં ૨૮) કરિયાણાની દુકાન ચલાવતો હતો. ચોથીએ બે જણા દુકાને આવ્યા હતા અને રૂ. ૫૦ની ફાટેલી નોટ આપી સોડા માગી હતી. ફાટેલી નોટ વટાવીને સોડા આપવાની અમરદીપે ના પાડી હતી. તેથી રોષે ભરાયેલા બંને જણાએ ઝઘડો શરૂ કર્યો હતો અને એ પછી અમરદીપને પેટ અને છાતીમાં ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરુખ શાકીર શેખ, જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ, મૃતક અમરદીપનાં પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે એવી માગ કરી હતી.