સુરતઃ હીરાના વેપાર-ઉદ્યોગ માટે સુરતનું નામ વિશ્વસ્તરે ગાજી રહ્યું છે. હવે અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા વધી રહી છે.હીરા માઇનિંગમાં વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં જે સ્થાન ધરાવે છે તે ડી-બિયર્સ કંપનીએ હીરાના કટિંગ-પોલિશિંગના સૌથી મોટા કેન્દ્ર સુરતમાં અંદાજે રૂ. ૬૦ કરોડના રોકાણ સાથે ફોરેવરમાર્ક ડાયમન્ડ ઇન્સ્ક્રિપ્શન અને ગ્રેડિંગ કામગીરી કરતી લેબ સ્થાપી છે. ડિ-બિયર્સ દ્વારા બેલ્જિયમ બાદ વિશ્વની આ માત્ર બીજી લેબ છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયમન્ડ ગ્રેડિંગ એન્ડ ઇન્સ્ક્રિપ્શન ફેસિલિટી આશરે ૧૫ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. આ લેબ સુરતના હીરા ઉદ્યોગને હીરા-જડિત જ્વેલરીની નિકાસની નવી તક પૂરી પાડશે. ડી-બિયર્સ મુંબઇ ખાતે રફ હીરાની ઓક્શન ઓફિસ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.
ડી-બિયર્સની બ્રાન્ડ ફોરેવરમાર્કના સીઇઓ સ્ટિફન લુઝિયરે જણાવ્યું હતું કે, ‘સુરત વિશ્વના ૯૩ ટકા હીરાનું કટિંગ-પોલિશિંગ કરે છે. ફોરેવરમાર્ક રિટેલરોને સપ્લાયના મામલે સુરત લગભગ ૫૦ ટકા હિસ્સો ધરાવે છે. આ લેબથી વેલ્યૂ-એડેડ જ્વેલરીની નિકાસના મામલે સુરતને લાભ થશે. ભારતના ફોરેવરમાર્ક રિટેલરોને અત્યાર સુધી સુરતમાં પોલિશ્ડ થયેલા હીરા એન્ટવર્પથી ઇન્સ્ક્રિપ્શન થયા બાદ મળતા હતા તે સુરતથી જ સરળતાથી મળતા થશે. ઉપરાંત અન્ય દેશોમાં પ્રોસેસ થતા હીરા પણ અહીં આવશે. આ લેબ વાર્ષિક પાંચ લાખ હીરાનું ગ્રેડિંગ કરી શકશે.’ સુરતમાંમાં આશરે ૪૫૦૦ હીરાના યુનિટ ધમધમે છે અને ૩.૫૦ લાખથી વધુ રત્ન કલાકારો સીધી રોજગારી મેળવે છે.