સુરતઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોકડ રકમની ભયંકર તંગી ઊભી થઇ છે. ટેક્ષટાઇલના મુખ્ય વેપાર-ઉદ્યોગને કારણે બેંકોમાંથી રોકડનો ઉપાડ વધુ રહે છે. પણ, બેંકોને જ રોકડ પૂરતા પ્રમાણમાં મળતી નથી. રોજની રૂ. ૧૦૦ કરોડની જરૂરિયાત સામે માંડ રૂ. ૨૫ કરોડ બેંકને મળી રહ્યા છે.
બેંકીંગ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, આમ તો દિવાળી પછીથી બેંકો રોકડની તંગીનો અનુભવે છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનો પ્રમાણમાં થોડા સારા રહ્યા હતા. પણ, ફરીથી રોકડની તંગીનો અનુભવ થઇ રહ્યો છે.
શહેરની રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેંકોના રોજિંદા ટર્ન ઓવરમાં હીરા કરતાં ટેક્ષટાઇલ ઉદ્યોગનો હિસ્સો વધુ છે. બેંકીંગ ક્લીયરીંગ રોજનું રૂ. ૬૫૦ કરોડથી વધુનું છે અને તેમાં ૮૦ ટકા હિસ્સો ટેક્ષટાઇલને કારણે છે. તો રોકડનો ઉપાડ પણ બધી બેંકોનો મળીને રૂ. ૧૦૦ કરોડની આસપાસ છે. કરન્સી ચેસ્ટમાંથી બેંકોને મર્યાદિત પ્રમાણમાં રોકડ આપવામાં આવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીયકૃત બેંકના સૂત્રો કહે છે કે, હમણાં રોકડની તકલીફ છે. આ તકલીફનું ટૂંક સમયમાં જ નિવારણ થશે. આરબીઆઇએ રોકડ આપવાની ખાતરી આપી છે. દરમિયાનમાં રોકડની તરલતાની સમસ્યા સુરત સિવાય અન્ય કોઇ પ્રદેશમાં નથી. સુરતમાં જ્યારે રોકડની તંગી ઊભી થાય ત્યારે સ્ટેટ બેંક સહિતની અન્ય બેંકો દક્ષિણ ગુજરાતના અન્ય શહેરોમાંથી તેની વ્યવસ્થા કરે છે. સુરતમાં રોકડની સમસ્યા કેમ ઊભી થાય છે? તે અંગે બેંકીંગ વ્યવસાય સાથે સંકળાયેલા કહે છે કે, રોકડની તંગી માટે બે-ત્રણ કારણો હોઇ શકે. રોકડ બ્લોક થઇ જતી હોવી જોઇએ, અથવા તો સુરતથી મોટી માત્રામાં રોકડ અન્યત્ર ટ્રાન્સફર થતી હોવી જોઇએ. બજારમાં રોકડ ફરતી ન હોવાથી, બેંકોમાં બહુ ઓછી રોકડ પરત થાય છે. પરિણામે અવારનવાર આ સમસ્યા સર્જાતી રહે છે.