વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં આગામી ચાર વર્ષ પછી આવનારી ચૂંટણીમાં નવા મતદારોને સમાવવા માટે ધર્માદો લેવામાં આવતા સત્સંગ પક્ષના એસ. પી. સ્વામીના નેતૃત્વમાં સુરતમાં રામપુરા સ્વામીનારાયણ મંદિર સામે દેવપક્ષના વિરોધ ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. રામપુરાસ્થિત સ્વામીનારાયણ મંદિર સામે એસ. પી. સ્વામીની આગેવાનીમાં સત્સંગ પક્ષના હરિભક્તોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. વડતાલ મંદિરની વર્તમાન દેવપક્ષ પેનલ દ્વારા નવા હરિભક્તોનો ધર્માદો લેવાનું બંધ કર્યું છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના તાબામાં કુલ ૪૦ શિખર મંદિર અને શિખર મંદિરની નિશ્રામાં ૭૦૦ નાના મંદિરો છે. જો વડતાલ મંદિર ટ્રસ્ટ નવો ધર્માદો નહીં સ્વીકારે તો રામપુરા સ્વામીનારાયણ મંદિરની જેમ ધીરે ધીમે તમામ ૭૪૦ મંદિરો સામે ઉપવાસ આંદોલન શરૂ કરશે.
મોરારજી દેસાઇ જાહેરાતમાં માનતા નહોતાઃ નવસારી ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈની પૂર્ણકદની પ્રતિમાનું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે જાણીતા વિચારક પ્રકાશ ન. શાહ (તંત્રી-નિરીક્ષક)એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મોરારજીભાઈ દેસાઈએ તેમના શાસનમાં દેશમાં લોકશાહી સાથે ભવિષ્યમાં કોઈ ચેડાં ન કરી શકે તેવી વ્યવસ્થા કરી લોકશાહીનો પાયો મજબૂત બનાવવાની અમૂલ્ય સોગાદ આપી છે. તેમણે લોકપાલ રચવાનો પાયો નાંખેલો. મોરારજીભાઈ ગાઈ વગાડીને પ્રચાર કરી મોટાઈ લેવામાં જરા પણ માનતા ન હતા.
નવસારી ડાયમંડ કંપનીમાંથી રૂ. ૧૫ કરોડનું કાળુ નાણુ પકડાયુંઃ નવસારીમાં ડાયમંડનું જોબ વર્ક કરતી રત્નકલા એક્સપોર્ટ કંપનીમાં ઇન્કમટેક્સ વિભાગે સરવે કર્યો હતો. બે દિવસ ચાલેલા સરવેમાં રૂ. ૧૫ કરોડથી વધુનું કાળુ નાણુ પકડ્યું હતું.