સુરત : હીરાનગરીમાં કોરોનાનો કહેર એટલો વધ્યો છે કે ૪૫ વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે સુરત મનપાએ રસી ફરજિયાત કરી દેતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા સ્ટોર, મોલ, મલ્ટિપ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ટેક્સટાઇલ અને હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારીઓ અને કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. વેક્સિન લીધા બાદ દુકાન બહાર પહેલો ડોઝ લીધો હોવાના બોર્ડ પણ લગાવવા પડશે. જે વેપારીઓ કે કર્મચારીઓ દ્વારા વેક્સિન લેવામાં નહીં આવે તેમને કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. તમામ બજારોમાં ૪૫થી ઓછી ઉંમરના વેપારી-કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. કાપડના ૨૨ ટેક્સટાઇલ માર્કેટમાં વેક્સિન સેન્ટર પણ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે.
ઓક્સિજનના ઉત્પાદન માંગ ૧૦ ગણી
સુરતમાં કોરોના વધતા ઓક્સિજન પર આધારિત દર્દીઓની સંખ્યા રોકેટઝડપે વધી રહી છે. જેના કારણે ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરના મુખ્ય સપ્લાયરના જણાવ્યા અનુસાર બે જ દિવસમાં ૪ હજારથી ૬ હજાર લિટર જેટલા નાના-મોટા સિલિન્ડરોની માંગ સુરત શહેરમાં જોવા મળી રહી છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસોના રાફડો ફાટતા ઓક્સિજન સિલિન્ડરની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે. ૨૦ ટનના ઉત્પાદન સામે ડિમાન્ડ ૨૦૦ ટન જેટલી જોવા મળી છે. સિવિલ, સ્મીમેર હોસ્પિટલના દર્દીઓની સાથે સાથે ઘરમાં રહીને જ સારવાર મેળવી રહેલા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. ઓક્સિજનની એટલી ડિમાન્ડ છે કે સવારે ૪ વાગ્યાથી ૫૦૦ મીટર જેટલી લાઈન ઓક્સિજન સિલિન્ડર માટે જોવા મળે છે. જેમાં કેટલાક લોકો નવા સિલિન્ડર લેવા માટે આવે છે, તો ઘણા સિલિન્ડરને રિફિલ કરાવવા માટે આવે છે.