સુરતઃ હજીરાના મોરામાં સ્થિત કંપનીઓમાં કામ કરતા અને લોકડાઉનને પગલે અહીં ફસાયેલા ૫૦ જેટલા પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન જવાની માગ સાથે ૧૦મી મેએ સરપંચના ઘરે આવ્યા હતા. એ પછી આવેલા ટોળાને પોલીસ સમજાવતી હતી ત્યારે ધીમેધીમે ૧૦૦૦થી વધુનું ટોળું થઈ ગયું. આ ટોળું કંપની તરફ જવા માંડતા પોલીસે તેમને અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે ટોળામાંથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેથી પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયરગેસના ૬ શેલ છોડયાં હતાં અને લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે ઉપરથી ૧૫૬ લોકોને પકડી લીધાં હતાં અને પછીથી ૧૫ જણા સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પોલીસે અટકાયત અને ધરપકડ કરેલા તમામ માટે જોકે પોલીસ સ્ટેશનમાં બપોરના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી.
સુરતના હજીરા વિસ્તારમાં વિરાટકાય કંપનીઓમાં કામ કરતા સેંકડો પરપ્રાંતીય શ્રમજીવીઓ હાલમાં બેકાર છે. લોકડાઉનને પગલે તેમનું કામ બંધ થયું છે અને તેઓ અહીં ફસાયેલા છે. એક જ રૂમમાં ૫થી વધુ લોકો રહેતા હોવાથી તેઓ વતન જવા માગે છે. આ શ્રમજીવીઓ છેલ્લા કેટલાક દિવસોથી વતન જવા માટે પ્રયાસ પણ કરી રહ્યા છે. આ વિસ્તારમાંથી અંદાજિત ૯૦૦૦ લોકોએ વતનવાપસી માટે ફોર્મ ભર્યાં છે. જોકે વિપરીત પરિસ્થિતિમાં હજી તેઓ ફસાયેલાં હોવાથી દેખાવ કરે છે. બીજી તરફ ગામના સરપંચે જણાવ્યું કે, તેઓ શ્રમિકોને વતન મોકલવા અંગે પ્રયત્નો કરે છે. શ્રમજીવીઓ રોજ પૂછપરછ કરે છે, પણ આજે ઉશ્કેરાટ વધી ગયો. સવારે ૫૦ શ્રમજીવીઓનું ટોળું પૂછપરછ કરી ગયા બાદ થોડી વારમાં બીજું ટોળું ત્યાં આવતાં ઇચ્છાપોર પીઆઇ એચ. આર. બ્રહ્મભટ્ટે તેમને મોરા ગામ ત્રણ રસ્તા પાસેની ચોકી પાસે બેસી સમજાવ્યા હતા. તે સમયે ધીમેધીમે વધુ શ્રમજીવીઓ એકત્ર થવા માંડયા હતા. જોતજોતામાં ૧૦૦૦થી વધુનું ટોળું ભેગું થઇ ગયું. તેઓ ફરિયાદ કરવા લાગ્યા કે રહેવા-ખાવાની યોગ્ય વ્યવસ્થા નથી, પૈસા ખલાસ થઈ ગયાં છે. અમને પોલીસ જવા દેતી નથી. આવા સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસ તેમને બે જૂથમાં અલગ કરી સમજાવતી ત્યાં કેટલાક કંપની તરફ ચાલવા લાગ્યા. આથી પોલીસે પોલીસ વાનની આડશ રાખી તેમને અટકાવ્યા.
એ જ વખતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વધારાની પોલીસ ફોર્સ પણ ત્યાં પહોંચી ત્યાં ટોળામાંથી કોઈકે પથ્થરમારો શરૂ કર્યો. જેથી પોલીસે ૪ અને એસઆરપીના જવાનોએ ૨ મળી કુલ ૬ ટીયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી. પથ્થરમારો વધતાં પોલીસે લાઠીચાર્જ કરી ટોળાને વિખેરી દીધું હતું.