સુરતઃ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ચોથા ક્રમે આવતા સુરતમાં વાહનોની સંખ્યા ૨૬ લાખને પાર કરી ગઈ છે જેથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અકસ્માતને નિવારવા તાજેતરમાં જે સ્પીડ બ્રેકર છે તેનાથી વાહનો અને સવાર બંનેને નુકસાન થાય છે તેથી અકસ્માતો ઓછા થાય અને વાહનોની ગતિ પર અંકુશ લાવી શકાય તે માટે મહાપાલિકા દ્વારા રોડ પર થ્રી-ડી ‘સ્પીડ બ્રેકર’ બની રહ્યા છે.
થ્રી-ડી સ્પીડ બ્રેકર
કોઈ થ્રી-ડી પેઇન્ટીંગને જોતાં તે સાચી વસ્તુ હોય તેવું લાગે, પણ તે આભાસી હોય છે. થ્રી-ડી સ્પીડ બ્રેકરમાં પણ એવું જ છે. થ્રી-ડી પેઇન્ટીંગથી તૈયાર કરાયેલા સ્પીડ બ્રેકર દૂરથી જોઈને વાહનચાલકને એવું જ લાગે કે સ્પીડ બ્રેકર છે. તે વાહનને બ્રેક મારે અને વાહનની ગતિ ધીમી પડે. પરિણામે અકસ્માત અટકે છે.
આદર્શ સ્પીડ બ્રેકર
ટ્રાફિકના નિયમો પ્રમાણે સ્પીડ બ્રેકર એવા રસ્તા પર જ હોવા જોઈએ કે જે રસ્તા પર સરેરાશ ૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાહન દોડતા હોય. હાઈવે કે પછી એક્સપ્રેસ હાઇવે પર સ્પીડ બ્રેકર્સ લગાડી શકાતા નથી. આટલું જ નહીં પણ દર ૧૦૦થી ૨૦૦ મીટરે એક સ્પીડ બ્રેકર હોવું જોઈએ.