સુરત: સુરતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આવામાં સારા સમાચાર એ છે કે વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના ૭ સભ્યો આયુર્વેદિક પદ્ધતિએ કોરોના મુક્ત થયાં છે. ગોયાણી પરિવારનાં ૭ સભ્યો કોરોના સંક્રમિત થયાં હતાં જેમાં ૧૦૬ વર્ષનાં દાદા અને ૩.૫ વર્ષનો તેમનો પ્રપૌત્ર, ગર્ભવતી પૌત્રવધૂ પણ કોરોનાગ્રસ્ત થયાં હતાં. પરિવારના તમામ સભ્યોએ ઘરમાં આઇસોલેશનમાં રહીને આર્યુર્વેદિક પદ્વતિથી કોરોના સામેની જંગ જીતી છે. ગોયાણી પરિવારનું કહેવું છે કે, કોરોના થાય તો સારવાર લો. માનસિક રીતે મજબૂતથી કોરોનાને હરાવી શકાય છે.
પૌત્રને સૌ પ્રથમ કોરોના થયો
રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપનીમાં કામ કરતાં ૧૦૬ વર્ષના ગોવિંદભાઈ ગોયાણીના પૌત્ર કેડીને સૌ પ્રથમ બે દિવસ તાવ આવ્યો હતો. રિપોર્ટ કરાવતા કોરોના હોવાનું સામે આવ્યું હતું. ઘરમાં એક પોઝિટિવ કેસ હોવાથી અન્ય સભ્યોનો પણ રિપોર્ટ કરાવાયો હતો. એક જ પરિવારના ૯ સભ્યોનો રિપોર્ટ કરાવાતા ૪ પેઢીમાં ગોવિંદદાદા, તેમના પુત્ર લાધાભાઈ, પત્ની શિવકુંવરબહેન, પૌત્ર કેડી, અશ્વિન તેમની પત્ની કિંજલ, પ્રપૌત્ર સનતનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આયુર્વેદિક ઉકાળા અને ફાકીનું સેવન કર્યું
સારવાર અંગે પરિવારજનોએ જણાવ્યું કે, આર્યુવેદિક દવા માટે ડો. મેઘાબહેન પટેલ ઘરેથી જ ફોન પર માર્ગદર્શન આપતાં હતાં. આયુર્વેદિક ફાકીનું ભૂખ્યા પેટે ત્રણ ટાઈમ સેવન કરતા અને વિટામિનની ગોળીઓ, એલોપેથિક દવાઓ લેતા હતા. નિયમિત ઓક્સિજનનું લેવલ ચેક કરતા હતાં. સાથે જ દરેક સભ્યો ગરમ પાણીના કોગળા, હળદરવાળું દૂધ અને લીંબુ અને ઉકાળાનું સેવન કરતાં હતાં. જેથી કોરોનામાંથી પરિવારને મુક્તિ મળી છે.