સુરતઃ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૫૮માં સમૂહલગ્નનું સુરતમાં આયોજન કરાયું છે. દીકરીઓને આપો દિશા થીમ ઉપર આયોજિત સમૂહલગ્નમાં માત્ર બહેનો જ મહેમાન અને બહેનો જ સમગ્ર વ્યવસ્થા સંભાળે એવી હાકલ થઈ હતી. જે અંતર્ગત સોમવારે શહેરના ટ્રાફિક અને પ્રદૂષણને ધ્યાનમાં લઇને સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું. સોમવારે ૨૫૧ વરરાજાઓ ટ્રાફિક ટાળો અને પ્રદૂષણ દૂર કરોના મુદ્દા સાથે સાયકલનો વપરાશ વધરાવાના હેતુથી સાયકલ પર નીકળ્યા હતા. સોમવારે સવારે ૮.૫૦ વાગ્યેથી સૌરાષ્ટ્ર ભવન વરાછા રોડથી સાયકલ યાત્રાનો આરંભ થયો હતો.
માથા પર સાફો, ગળામાં ખેસ, પેન્ટ શર્ટ પહેરીને વરરાજાઓ સાયકલ વપરાશના સંદેશાત્મક બેનર સાથે સાયકલ પર નીકળ્યા હતા. યાત્રાને જોવા ટ્રાફિકજામ થયો હતો. યાત્રામાં સુરતના કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલે પણ સાયકલ ચલાવી હતી. આ સિવાય યાત્રામાં ૬૫ વર્ષના વૃદ્ધ પણ જોવા મળ્યા હતાં. વેકેશનના કારણે વરાછા રોડ ખાલી હોવાથી યાત્રા શાંતિપૂર્વક પુર્ણ થઇ હતી.