સુરતઃ પોલી ડેકટાઇલીનો કિસ્સો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક બાળકમાં તાજેતરમાં જોવા મળ્યો હતો. કામરેજના માકણા ગામમાં રહેતા પરિવારમાં બીજી ડિસેમ્બરે જન્મેલી બાળકીની સામાન્ય કરતાં છ આંગળીઓ વધુ છે. સુરતના કામરેજમાં આવેલી દેવકી હોસ્પિટલમાં બીજી ડિસેમ્બરે એક બાળકીનો જન્મ થયો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના પ્રકાશભાઈ જાલન્ધ્રાનાં સગર્ભા પત્ની પ્રભાબહેનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
રત્નકલાકાર પ્રકાશભાઈએ જણાવ્યું કે, પત્ની પ્રભાબહેનની આ ચોથી પ્રસૂતિ હતી. એક બાળક અને બાળકી બાદ ત્રીજા બાળકનું અવસાન થયું હતું. આ વખતે બાળકીનો જન્મ થયો હતો. બાળકીને હાથ-પગની કુલ મળીને ૨૬ આંગળીઓ છે. બાળકીને હાથમાં છ-છ અને પગમાં સાત-સાત આંગળીઓ છે. બાળકીના જન્મ પહેલાંના તમામ રિપોર્ટ નોર્મલ હતા. નોર્મલ ડિલિવરીમાં બાળકીનો જન્મ થયો ત્યારે જ ૨૬ આંગળીઓ હતી. અમારા પરિવાર અને ઘરની આસપાસ બાળકીને લઈને ખૂબ કુતૂહલ સર્જાયું છે અને લોકો જોવા આવી રહ્યા છે.
દેવકી હોસ્પિટલના ગાયનેક ડો. હરેશ જિંજાલાએ જણાવ્યું હતું કે ટૂડી કે થ્રીડી સ્કેન નહોતા કરાવ્યા હતા, કારણ કે એ નોર્મલી સ્કેનમાં હૃદય, કિડની વગેરે નોર્મલ હતાં. જો ટૂડી કે થ્રીડી સ્કેન કરાવ્યું હોત તો ખ્યાલ આવ્યો હોત. જોકે બાળકીની નોર્મલ પ્રસૂતિ થઈ હતી. જન્મ સમયે તેનું વજન પણ સાડા ત્રણ કિલોનું હતું. જાણીતા સર્જન ડો. જે. એચ. પંચાલે જણાવ્યું હતું કે, બાળકોને વધુ અંગ હોવા તેને મેડિકલી પોલી ડેકટાઇલી કહેવાય છે. આવી ઘટના લાખો બાળકોમાં એકમાં બનતી હોય છે.
માતાના ગર્ભમાં જ્યારે કોષનું વિભાજન થતું હોય ત્યારે વધારાનાં અંગો બનતાં હોય છે. આંગળીઓ ભલે વધારે હોય, પણ પરંતુ એના કારણે કોઈ તકલીફ થતી નથી. ભવિષ્યમાં ઓપરેશન વડે વધારાની આંગળીઓ કઢાવી શકાય છે.