સુરતઃ ગુજરાતના પનોતા પુત્ર અને કરોડો દેશવાસીઓના લોકનાયક નરેન્દ્ર મોદીનું રવિવારે સુરતમાં અદ્ભુત, અદ્વિતીય અને અવિસ્મરણીય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાન મોદીને સત્કારવા ગૌરવપથ ઉપર જાણે માનવમહેરામણ ઉમટ્યો હતો. એરપોર્ટથી સર્કિટ હાઉસ વચ્ચેના રોડની બંને તરફ એક લાખથી વધુ સુરતીઓએ જાણે માનવ દીવાલ રચી દીધી હતી. દેશવાસીઓનાં દિલ પર રાજ કરતાં લોકલાડીલા નેતાની એક ઝલક માટે લાખો લોકો કલાકો સુધી રાહ જોઇને ઉભા રહ્યા હતા. રોડ-શો શરૂ થતાં જ સુરતનું આકાશ ‘મોદી, મોદી...’, ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગાજી ઊઠ્યું હતું. શહેરીજનોનો અદમ્ય પ્રેમ અને ઉત્સાહ સાથેનો આવકાર જોઇને વડા પ્રધાન મોદી પણ ભાવવિભોર થઇ ગયા હતા અને તેમણે બે હાથે નમન કરીને હસતા ચહેરે સુરતીઓનું અભિવાદન ઝીલ્યું હતું. વડા પ્રધાનના કાફલાને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીનું ૧૨ કિલોમીટરનું અંતર કાપતા લગભગ સવા બે કલાક લાગ્યા હતા.
‘તું જો મારો મહેમાન બને તો તને સ્વર્ગ પણ ભુલાવું શામળા’ પંક્તિ સુરતીઓએ રવિવારે નરેન્દ્ર મોદી માટે ચરિતાર્થ કરી બતાવી હતી. વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી રવિવારે પ્રથમ વાર સુરત આવ્યા હતા. પોતાના માનીતા વડા પ્રધાનને વેલકમ કરવા સુરતે કોઇ કસર બાકી રાખી ન હતી. લાખો લોકો ગૌરવપથ ઉપર સ્વયંભૂ ઊમટી પડયાં હતાં. વડા પ્રધાનની એક ઝલક જોવા નાનાં બાળકોથી માંડી સિનિયર સિટીઝનો કલાકો સુધી તડકો-ગરમી જોયા વિના રોડની બંને તરફ કતારબદ્ધ ઉભા રહ્યા હતા. આ ઉપરાંત એપાર્ટમેન્ટની બાલ્કની, ટેરેસ, કોમન પેસેજ, પાણીની ટાંકી સહિત જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઇ ગયાં હતાં. વડા પ્રધાન મોદીને આવકારવા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મુંબઇ અને થાણેથી વાદ્યકારોને બોલાવાયા હતા.
એરપોર્ટ બહાર તેમણે વડા પ્રધાનનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. સાંજે સાત વાગ્યે એરપોર્ટથી ૨૫ હજારથી વધુ બાઇકો સાથે વડા પ્રધાનનો રોડ-શો શરૂ થયો હતો. વિવિધ પોઇન્ટ ઉપર સાધુ-સંતો, દિવ્યાંગો, મુસ્લિમ મહિલાઓ, શહેરના અગ્રણીઓથી માંડી કોમનમેન સહિતના તમામ વર્ગોએ મોદીનું હરખભેર અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીને જોતા જ ગૌરવપથ ઉપર મોદી મોદીના નારા ગુંજી ઊઠયા હતા. વડા પ્રધાને પણ બંને હાથ ઊંચા કરી સ્મિત સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડા પ્રધાનની એક ઝલક માટે આતુર બનેલાં લોકો કેટલાંક સ્થળોએ બેરિકેટ્સ તોડી આગળ આવી ગયા હતા.
મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનનું પણ અભિવાદન
સમગ્ર રૂટ ઉપર મોદી મોદીનો જયઘોષ થયો હતો. આ રોડ-શોમાં વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, સાંસદો સી. આર. પાટીલ અને દર્શના જરદોશ પણ જોડાયા હતા. એરપોર્ટથી સર્કિટ હાઉસના ૧૨ કિલોમીટર લાંબા રૂટ ઉપર લાખો સુરતીઓએ આ તમામ રાજકીય આગેવાનોનો પણ સત્કાર કર્યો હતો. તમામને હર્ષભેર આવકાર્યા હતા.
રોડ-શો બાદ ૭૦ આગેવાનો સાથે બેઠક
રોડ-શો પૂરો થયા બાદ વડા પ્રધાને સર્કિટ હાઉસમાં એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પૂર્વ મુખ્ય પ્રધાન, પ્રદેશ પ્રમુખ સહિત દક્ષિણ ગુજરાતના ૭૦ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લા ભાજપના શહેર-જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને સંસદ સભ્યોએ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં વડા પ્રધાન દ્વારા દક્ષિણ ગુજરાતના તમામ આગેવાનોને શું હોમવર્ક અપાયું છે તે મુદ્દે રાજકીય અટકળો તેજ બની હતી.
૧૨ વર્ષ બાદ મોદીનો સુરતમાં રોડ-શો
વર્ષ ૨૦૦૫ની મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં બે દિવસનો રોડ-શો કર્યો હતો. ૨૦૦૫ની પાલિકા ચૂંટણીમાં નો-રિપીટેશન નીતિ અમલમાં મૂકીને ભાજપના તમામ સીટિંગ કોર્પોરેટરોને ઘરભેગા કરીને નવા નિશાળિયાઓને ટિકિટ આપવામાં આવી હતી. આ જુગાર સફળ રહેશે કે કેમ તે અંગે તે સમયે ભારોભાર આશંકા હતી. આથી શહેર ભાજપની વિનંતીને પગલે તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બે દિવસમાં સુરતમાં રોડ-શો કર્યો હતો. આ રોડ-શોમાં પાલિકાના તમામ વોર્ડ અને વિસ્તારો આવરી લેવાયા હતા. બાર વર્ષ બાદ રવિવારે નરેન્દ્ર મોદીએ ફરી સુરતમાં રોડ-શો કર્યો હતો. જોકે બાર વર્ષમાં તાપીમાં અનેક પાણી વહી ગયા છે. રવિવારનો રોડ-શો સુરતના ઇતિહાસનો સૌથી મોટો અને ભવ્ય રોડ-શો પુરવાર થયો. સુરત ડુમસ રોડ પર આટલી માનવી મેદની ભૂતકાળમાં ક્યારેય જોવા મળી નથી.
રવિવારની રજા મોદીને નામ
રોડ-શો દરમિયાન રસ્તાની બન્ને તરફ હજારો લોકો સ્વયંભૂ ગોઠવાઈ ગયા હતા. સુરતીઓ દર રવિવારે ડુમસ રોડ પર ફરવા ઉમટે છે. રવિવારે ડુમસ રોડ પર વાહનો પર પ્રતિબંધ મૂકાયો હતો. જોકે આમ છતાં સુરતીઓએ દૂર દૂર વાહનો પાર્ક કરીને મોદીની એક ઝલક માટે કલાકો સુધી રસ્તાની બંને તરફ રાહ જોઈ હતી. પરિવાર સાથે આવેલા લોકોએ સાંજે ચાર વાગ્યાથી જ પોતાના પસંદગીના સ્થળે ગોઠવાઇ ગયા હતા. રાતે સાડા નવ વાગ્યે રોડ-શો પૂરો થયો ત્યાં સુધી પોતાની જગ્યા પરથી ખસ્યા નહોતા. સુરતવાસીઓએ રવિવારની સાંજ મોદીને નામ કરીને રોડ -શોને ઐતિહાસિક બનાવ્યો હતો.
મોદીને નિહાળવા લોકો બેકાબૂ બન્યા
એરપોર્ટથી રોડ-શો શરૂ થઈ ગયો હોવાની અને વડા પ્રધાન રાહુલ રાજ મોલ તરફ આવી રહ્યા હોવાની માહિતી મળતા જ લોકો આગળ તરફ ધસી ગયા હતા. રાહુલ રાજ મોલની પાસે તો રોડની બંને બાજુએ રેલિંગની પાછળ ગોઠવાયેલા લોકોનો ધસારો થતાં મોટું ટોળું રેલિંગ ક્રોસ કરીને રોડ તરફ ધસી ગયું હતું. જોકે, સ્થળ પર હાજર પોલીસે તરત જ પરિસ્થિતિ પારખી બાજી સંભાળી લીધી હતી.
ડિનરમાં ખીચડી-કઢી, બ્રેકફાસ્ટમાં લોચો-ખમણી
સુરત, તા.૧૬ઃ સવા બે કલાકના રોડ-શો બાદ સર્કિટ હાઉસ પહોંચેલા વડા પ્રધાને ભાજપના આગેવાનો સાથે મિટિંગ કરી હતી. આગેવાનો સાથે દોઢેક કલાક ચર્ચા બાદ મોદીએ ખીચડી-કઢીનું ડીનર કર્યું હતું. મોદી માટે સાદી કઢી બનાવાઇ હતી. સુરત સર્કિટ હાઉસના રસોઇયાએ જ વડા પ્રધાન માટે જમવાનું બનાવ્યું હતું. સોમવારે સવારે વડા પ્રધાનને નાસ્તામાં સુરતનો ફેમસ લોચો અને ખમણી પીરસાયા હતા. જ્યારે મુખ્ય પ્રધાન રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સહિતના મહેમાનો મિટિંગ પૂરી થયા બાદ જમવા માટે સાસુજી હોટેલ પહોંચ્યા હતા. જૂની આરટીઓ સર્કલ પાસે આવેલી સાસુજી હોટેલમાં તમામ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરાઇ હતી.