સુરતઃ શહેર અને જિલ્લામાં સતત વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીમાંથી ત્રણ ખાડીએ ભયજનક સપાટી વટાવી છે જ્યારે એક ખાડી છલોછલ થઈ છે. ખાડીઓ ઓવરફ્લો થતાં સુરતના ખાડી કિનારાના વિસ્તારમાં મિની પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ખાડીમાં સતત સપાટીમાં વધારો થતાં મહાપાલિકા તંત્રએ સ્થળાંતરની તૈયારી કરી દેવા સાથે ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરી દીધું છે. જિલ્લામાં હજી પણ વરસાદનું જોર રહેતું હોવાથી પાલિકા તંત્ર સતત ખાડીની સપાટી પર નજર રાખે છે.
સુરત સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી સુરતમાં ખાડી પૂરની ભીતી જોવા મળી છે. ૧૬મી ઓગસ્ટે સવારે નવ વાગ્યા સુધીમાં સુરતમાંથી પસાર થતી પાંચ ખાડીમાંથી ત્રણ ખાડીએ તો ભયજનક સપાટી વટાવી જતાં ખાડીના પાણી રસ્તા પર અને ઝુંપડામાં ઘૂસી ગયાં છે. જિલ્લામાંથી આવતી અને સુરતમાંથી પસાર થતી કાંકરાખાડી, ભેદવાદ ખાડી, મીઠી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે જ્યારે સીમાડા ખાડી ભયજનક સપાટીએ જ વહી રહી છે. એક માત્ર ભાઠેના ખાડી ભયજનક સપાટીથી નીચે વહેતી હતી.
સુરતમાં ખાડી ઓવરફ્લો થતાં ખાડીની આસપાસ આવેલા નેહરુનગર, જવાહર નગર, સલીમ નગર સહિતની ઝૂંપડપટ્ટીના ૮૦ જેટલા ઝૂંપડાને અસર થઈ છે. જોકે, હજી સુધી કોઈ સ્થળાંતર કરાયું નથી. અસરગ્રસ્તોને ૨૫૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. મ્યુનિ. તંત્રએ ડિવોટરીંગની કામગીરી શરૂ કરી છે, પરંતુ વરસાદનું જોર વધુ હોવાથી ડિવોટરીંગ પમ્પની કામગીરી અસરકારક બનતી નથી.
શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ખાડીઓની સપાટી સતત વધતી રહી હોવાથી મ્યુનિ. તંત્ર સતત નજર રાખી રહી છે. આ ઉપરાંત લિંબાયત વિસ્તારની કેટલીક સ્કૂલમાં રાહત છાવણી શરૂ કરવા માટેની પણ તૈયારી કરી લીધી છે. જોકે ૧૬મી સુધીમાં કોઈ સ્થળાંતર કરવામાં આવ્યું નથી, પરંતુ ખાડીની સપાટીમાં સતત વધારો થતો હોવાથી ટૂંક સમયમાં સ્થળાંતર થાય તેવી શક્યતા વધી રહી છે.