સુરત: કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી ગુજરાતીઓ દુબઇમાં ફસાયેલા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને ગુજરાત પહોંચાડવાની જવાબદારી ગુજરાતી સમાજ દુબઇના અગ્રણી અને દુબઇ રહેતા સુરતના હીરા ઉદ્યોગપતિ ભરતભાઇ નારોલે લીધી છે. તેમણે ૧૨૦૦ લોકોને દુબઇથી ગુજરાત લાવવા ૭ પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી છે. ૧૮મી જૂને સવારે ૧૦ કલાકે ૧૭૫ યાત્રી સાથે પ્રથમ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યારે બીજી ફ્લાઇટ ૨૪મી તારીખે દુબઇથી અમદાવાદ આવશે.
ભરતભાઇએ કુલ ૧૨૦૦ ગુજરાતીઓની યાદી તૈયાર કરી છે અને તમામને ગુજરાત મોકલવાની પરવાનગી દુબઇ કોન્સોલેટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી માગી છે. જો કે હાલ સંપૂર્ણ મંજૂરી મળી નથી. પરવાનગી મળતા જ કુલ છ ફ્લાઇટ દ્વારા અન્ય ગુજરાતીઓને પણ દુબઇથી રવાના કરાશે. જે યાત્રીઓ ટિકિટ ખર્ચી શકતા નથી તેમનો ખર્ચ ભરતભાઇ જાતે જ ઉપાડે છે.
વંદે ભારત ફ્લાઇટ શરૂ ન થતાં મદદ
ભરતભાઇ નારોલ કહે છે કે, અમે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વંદે ભારત અંર્તગત ફ્લાઇટ શરૂ કરવા માટે રજૂઆતો કરતા હતાં. જો કે અમને કોઇ સફળતા મળી નહીં. લોકો અમારી પાસે દુ:ખી થઇને રજૂઆતો કરતા હતાં. જેથી મેં મદદ કરવાનું નક્કી કરી પ્રાઇવેટ પ્લેન ઉડાવવા મંજૂરી માગી. મંજૂરી મળી જતાં પ્રથમ ફ્લાઇટ રવાના કરી છે. યાત્રીઓ પાસેથી પૈસા માંગ્યા નથી છતાં સામે ચાલીને ટિકિટના પૈસા આપ્યા છે. ૪-૫ યાત્રીઓ એવા હતાં જેમની પાસે ટિકિટના પૈસા ન હતાં. અહીં ગુજરાતી ભાઇ સમસ્યાઓથી પીડાઇ રહ્યાં છે. ગુજરાતને વંદે ભારતની ફ્લાઇટ મળે તો ગુજરાતીઓની સમસ્યા દૂર થઇ શકે.
પ્રથમ ફ્લાઇટમાં ૨૦ ગર્ભવતી મહિલાઓ
દુબઇથી ૬.૩૦ કલાકે ઉપડેલી અને અમદાવાદ ૧૦ કલાકે પહોંચેલી સ્પેશિયલ ફ્લાઇટમાં ૨૦ ગર્ભવતી મહિલાઓ, ૭૦ લેબર અને અન્ય ૪૦થી વધુ એવા લોકો હતાં જેમની નોકરી છુટી ગઇ છે. આ સાથે પ્રથમ ફ્લાઇટમાં બિમાર લોકો અને વૃદ્ધોને સ્થાન આપવામાં આવ્યું હતું.