સુરતઃ શહેરમાંથી બે બસો નેપાળના પ્રવાસે ગઇ હતી. બંને બસોના પ્રવાસીઓ નેપાળ ફરીને ૨૫ એપ્રિલે ભારતમાં પરત આવી ગયા હતાં. તેઓ ભારતમાં આવ્યા અને બે કલાક પછી જ ત્યાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. તેથી સદનસીબે સુરતના કોઇ પ્રવાસીને અસર થઇ નથી. ભૂકંપના પગલે મચેલી ભાગદોડમાં સુરત જિલ્લા કલેક્ટર તંત્રે પણ નેપાળમાં સુરતના કોઇ પ્રવાસી ફસાયા છે કે નહીં? તેની વિગતો મેળવી હતી. જેમાં આરટીઓમાંથી નેપાળ માટે બે બસોની પરમીટ ઇસ્યૂ થઇ હોવાનું જણાવ્યું હતું. આ બન્ને પરમીટના આધારે ટૂર આયોજકોની પૂછપરછ કરાઇ હતી. તેમાં બેમાંથી એક બસ હરીદ્વાર અને બીજી ઉત્તરપ્રદેશમાં સલામત હોવાની માહિતી મળી હતી.