સુરતઃ ખાવાપીવાની બાબતમાં સુરતીઓને કોઇ ન પહોંચે. અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી પણ પૂરબહારમાં જોવા મળે છે. આથી મૂળ સુરતીઓમાં ‘કેરીગાળા’ની મોસમ પણ જામી છે. સુરતમાં મોઢ વણિક, ખત્રી પરિવારો ઉપરાંત હવે તો લગભગ દરેક પરિવારોમાં કેરીગાળાની પરંપરા જોવા મળી રહી છે. અસ્સલ સુરતી પરિવારો કેરીગાળો એટલે કેરીનો રસ હોય અને તેમાં મલાઈ નાખીને એકદમ ઠંડી કરીને ખાવાના ભારે શોખીન હોય છે. મોઢવણિક પરિવારના બ્રિજેશભાઈ મોદી કહે છે કે રાજાપુરી અને કેસર કે હાફૂસ કેરીનો રસ કાઢીને તેમાં મલાઈ ભેળવીને ખાવાની મજા જ કંઈક ઔર હોય છે. કેરીગાળાની પાર્ટીમાં અમારે પાંચેક વખત જવાનું થાય છે અને અમે ત્રણેક વખત અમારા ઘરે કેરીગાળો કરીને સગાં-સંબંધીઓ, મિત્રોને બોલાવતા હોઈએ છીએ. મુખ્ય વાત એ જ છે કે કેરીના રસ સાથે કોમ્બિનેશન કરીને સ્વીટ ડીશ હોય, પછી એમાં અંગૂર પણ હોય, કોફ્તા પણ હોય, ડ્રાયફ્રૂટ્સ પણ હોય જે રીતે ભાવે એ રીતે ખાઈ શકાય.
કરીયાણાના હોલસેલ વેપારી દિનેશભાઈ ગાંધી કહે છે કે, મારી ઉંમર ૬૫ વર્ષની થઈ છે અને મારા જન્મ પહેલાથી અમારા ઘરમાં કેરીગાળો કરવાનો રિવાજ છે. કેરીગાળો એટલે અમારા માટે વેવાઈઓ પછી એ બહેનનું ઘર હોય કે દીકરીનું ઘર, તેમના સાસરા પક્ષના બધાને કેરીગાળો કરવા તેડાવીએ અને સ્ટાર્ટરથી લઈને આઈસ્ક્રીમ સુધી જાતજાતની વાનગીઓ પીરસવામાં આવે છે. ડ્રાયથી લઈને ગ્રેવીવાળી અનેક આઈટમો અને કેરીમાં પણ પલ્પ, સ્લાઈસ અને પૂડીંગ જેવી વેરાઈટી પીરસવામાં આવે છે. કેરીગાળો કરવાની પાર્ટી લગભગ પાંચ કલાક સુધી ચાલે છે.
સુરતના ખત્રી પરિવારના રેણુકાબહેન કહે છે કે કેરીગાળો આવે એટલે અમારે બહુ મહેતન કરવી પડે છે. ખાસ કરીને હવે બાળકોને કેરીનો રસ કે સ્લાઈસમાં બહુ મજા નથી આવતી એટલે તેમના માટે કેરીની જુદી જુદી વેરાઈટી તૈયાર કરવી પડે છે. અમે કેરીના ભજીયા, કેકની જેમ પૂડિંગ તેમ જ કેરીનું શાક પણ બનાવીએ છીએ, જે બાળકો પણ ખાય છે. ખાસ કરીને લંગડો કેરી ભજીયા બનાવવા માટે શ્રેષ્ઠ કહેવાય છે. એવી જ રીતે અન્ય સુરતી પરિવારોમાં કેરીગાળો હોય ત્યારે ખાસ કેરીના ગોટલા અને છોતરામાંથી ફજેતો (એક પ્રકારની કરી) બનાવવાની પણ પરંપરા હજુ અકબંધ છે. શહેરના કોટવિસ્તારમાં વસતા પરિવારો આજે પણ ફજેતો બનાવીને મહેમાનો પીરસતા હોય છે.
કેરીગાળો કરવાની સુરતીઓની આજના જમાનાના ઘરની મહિલાઓ થાકી જાય અને કંટાળી જાય છે એટલે હવે ઈવેન્ટ મેનેજર્સ જે તે જ્ઞાતિની પરંપરા અનુસાર કેરીગાળો કરવા માટે ખાસ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી આપે છે.