અંકલેશ્વરઃ વિશ્વના પ્રથમ સોલાર વિમાન સાથે ગુજરાતનું નામ જોડાયું છે. અમદાવાદમાં ગત સપ્તાહે આવેલા વિશ્વના એકમાત્ર અને પ્રથમ સોલાર વિમાને લોકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. આ વિમાનમાં નિર્માણમાં અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહતની એક કંપનીએ બનાવેલું મટિરિયલ ઉપયોગમાં લેવાયું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. સોલ્વે સ્પેશિયાલિટીઝ પ્રા. લિ. દ્વારા તૈયાર કરાયેલા ફાઈબર અને કોટીંગ મટીરિયલનો ઉપયોગ સોલાર ઇમ્પ્લાન્ટ-૨ વિમાનમાં કરવામાં આવ્યો છે. કંપનીના મુકેશ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘આ વિમાનની ફાઈબર બોડીને જોડતા પીવીસી સ્ક્રૂ, સળિયા અને બોડીને કોટીંગ કરતાં મટિરિયલ અને હવામાનથી રક્ષણ માટેનું મટિરિયલ પાનોલી ખાતેના એકમમાં બન્યું છે. આ દ્વારા કંપની વૈશ્વિક ક્રાંતિનો ભાગ બની છે તેનો અમને આનંદ અને ગર્વ છે.’