સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે એક નર્સે તાજેતરમાં લગ્ન કર્યાં. નર્સનું કન્યાદાન તેનાં થનારાં જેઠાણીના ભાઈએ કર્યું હતું કારણ કે ચાંદનીનાં માતા-પિતા લોકડાઉનમાં નવસારીમાં હોવાથી તેઓ લગ્નમાં આવી શક્યાં નહોતાં. ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં બે કલાકમાં જ ગોર મહારાજની હાજરીમાં લગ્ન થયાં અને પરિચારિકા લગ્ન કરી બીજા જ દિવસે ફરજ પર પણ હાજર થયાં.
નવસારીના છાપરા રોડ પર આવેલા આશીર્વાદ પાર્કમાં રહેતાં તરુણભાઈ ઘડિયાળીનાં દીકરી ચાંદની (ઉ. વ. ૨૮) સુરત મહાપાલિકાના કરંજ હેલ્થ સેન્ટરમાં નર્સ છે. ઓક્ટોબર, ૨૦૧૯માં સુરતના કાપોદ્રામાં આવેલા આદર્શનગરમાં રહેતા અને જેકાર્ડ ડિઝાઇન આર્ટિસ્ટનું કામ કરતા કપિલ મનજીભાઈ આંબલિયા (ઉ. વ. ૩૦) સાથે ચાંદનીની સગાઈ થઈ હતી. ૨૬મી એપ્રિલે લગ્ન નક્કી થયાં હતાં. દેશમાં કોરોનાના કારણે માર્ચ મહિનાથી લોકડાઉન જાહેર થયું હતું.
ચાંદનીના પિતા એડવોકેટ છે અને ચાંદનીના માતા-પિતા નવસારીમાં રહે છે. જોકે ચાંદની સુરતમાં જ રહે છે. તેથી ચાંદની અને કપિલ સુરતમાં હોવાથી બંનેના ૨૬મી એપ્રિલે જ લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. ચાંદનીના માતા-પિતાએ વીડિયો કોન્ફરન્સથી લગ્ન નિહાળ્યા હતા. લગ્નમાં કપિલના માતા-પિતા, ભાઈ – ભાભી, ભાભીના ભાઈ ભાવેશભાઈ અને ગોર મહારાજ જ હાજર હતાં. લગ્નમાં ગોર મહારાજ સિવાય તમામ રૂમના ચારેય ખૂણે ઉભા રહ્યાં હતાં. ચાંદનીના માતા-પિતા હાજર રહ્યા ન હોવાથી કપિલભાઈનાં ભાભીના ભાઈ ભાવેશભાઈએ કન્યાદાન કર્યું હતું.
લોકોની સેવા કરવી એ મારું પ્રથમ કર્તવ્યઃ ચાંદની
અમે કોરોના મહામારી અને લોકડાઉનને લઈને પાંચથી સાત સભ્યોની વચ્ચે લગ્ન કરવાનું નક્કી કરવાનું નક્કી કર્યું હતું. ચાંદનીએ જણાવ્યું હતું કે, ૨૬મી એપ્રિલે સવારે હું નોકરીએ ગઈ હતી અને સાંજે લગ્ન કર્યાં હતાં. લોકોની સેવા એ મારું પ્રથમ કર્તવ્ય હોવાથી લગ્નના બીજા જ દિવસે હું ફરજ પર હાજર થઈ હતી. લોકોને સંદેશો આપતાં તેણે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દિવસેને દિવસે વધે છે. લોકોને નમ્ર અપીલ છે કે, ઘરમાં રહો. સેનિટાઈઝરનો ઉપયોગ કરો. આવશ્યક કામ વગર બહાર ન નીકળો અને નીકળો તો માસ્ક પહેરીને જ નીકળો અને બને એટલું સોશિયલ ડિસ્ટસ્ટ જાળવો. કપિલે જણાવ્યું હતું કે, અમારાં લગ્ન આમ તો ધામધૂમથી કરવા હતા. જોકે, લોકડાઉનને કારણે સાદાઈથી પરિવારના પાંચથી સાત સભ્યોની હાજરીમાં અમે લગ્ન કર્યાં છે. કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ.