સુરતઃ પી. પી. સવાણી સ્કૂલમાં સાયન્સ શીખવતા પીપલોદના જીજ્ઞેશ વિજય વિશાવળીયાની મોટા વરાછાની આશીર્વાદ હોસ્પિટલમાં ખોટી ડીગ્રીના આધારે તબીબ બની પ્રેકિટસ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ છે. માત્ર બીએસસી સુધી ભણેલા વિશાલે તબીબ પત્ની સાથે મળીને મોટી હોસ્પિટલ ખોલી હતી. પોતે પણ તબીબ છે એના પુરાવા રૂપે કેનાલ રોડની મમતા ક્લિનિકના ડો. જીજ્ઞેશ પટેલના એમબીબીએસના સર્ટિફિકેટ મંગાવી જીજ્ઞેશ વિશાવળીયાએ તેની ઉપર પોતાનો ફોટો ચોંટાડી દીધો હતો અને તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો. તેણે દર્દીઓની સારવાર સુદ્ધાં કરી હતી. એકાદ વર્ષ સુધી પ્રેક્ટિસ કરનાર આ બોગસ તબીબની પોલ દર્દીની મેડિક્લેઈમ પોલીસીમાં ખૂલી હતી.
૨૦૧૭માં દર્દી જાગૃતિબહેન હિતેશ ગજ્જરની સારવાર બાદ આ મહિલાની મેડિક્લેઇમ પોલીસી વીમા કંપનીમાં ક્લેઇમ માટે મોકલાઇ હતી. જેમાં તબીબના સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશન નંબર વીમા કંપનીમાં અપાયા હતા. વીમા કંપનીના અધિકારીને જીજ્ઞેશ વિશાવળીયા અને જીજ્ઞેશ પટેલનો મેડિકલ રજિસ્ટ્રેશન નંબર એક જ જણાયો હતો. જોકે સર્ટિફિકેટ પર ફોટો અલગ હતા. જેથી અધિકારીએ ડો. જીજ્ઞેશ પટેલને ફોન કરીને તપાસ કરતાં ભાંડો ફૂટી ગયો હતો. અસલી ડોક્ટર જીજ્ઞેશ પટેલે એ પછી અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જીજ્ઞેશ વિશાવળીયાની ધરપકડ કરાઈ હતી.