સુરતઃ ઓછું ભણેલા, ગરીબ અને મધ્યમ વર્ગના સુરતમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના લોકોને ભોળવીને બોગસ આયુષ્યમાન કાઢી આપવાનું કૌભાંડ તાજેતરમાં પકડાયું છે. સુરતના કતારગામમાં આબાંતલાવડી વિસ્તારમાં રહેતાં ખીમજીભાઈ મોણપરા મે, ૨૦૧૯માં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સ્નેહ મિલન સમારોહમાં ગયા હતા. ત્યાં ગામના લોકોને મદદરૂપ થવા માટે આધારકાર્ડ, કિસાન પેન્શન યોજના તથા મેડિકલ સારવાર માટે વિનામૂલ્યે આયુષ્યમાન કાઢીઆપવાની જાહેરાત કરાઈ હતી.
ગામના લોકોએ કાર્ડ કઢાવવા નામો પણ નોંધાવ્યા હતા. થોડા મહિના બાદ કતારગામના હરિદર્શનના ખાડામાં એક કેમ્પ યોજાયો હતો. તેમાં રૂ. ૭૦૦થી રૂ. ૧૦૦૦ લઇને આયુષ્માન કાર્ડ બનાવીને લોકોને આપી દેવાયા હતા. દરમિયાન ખીમજીભાઈને દોઢેક માસ પહેલાં હાર્ટએટેક આવતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનું ઓપરેશન કરાયું હતું. તે વખતે તેમણે રજૂ કરેલું આયુષ્માન કાર્ડ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આયુષ્માન કાર્ડને લીધે વિનામૂલ્યે સારવાર થશે તેમ માનીને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીના પરિવારે હોસ્પિટલનું બિલ પરિચિતો પાસેથી ઉધાર નાણા લઇને ચૂકવવું પડયું હતું.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ ખીમજીભાઇએ આયુષ્માન કાર્ડ કાઢી આપનારા મુકેશ મકવાણા અને પી. ડી. ડાભીને કોલ કર્યાં ત્યારે બંનેએ એકબીજા પર મામલો ઢોળી દીધો હતો. ખીમજીભાઇની તપાસમાં તેમના ગ્રુપના અન્ય ૩૫થી વધુ લોકોને પણ આવા જ બોગસ આયુષ્માન કાર્ડ અપાયાની વાત બહાર આવી છે. આવા ૧૦૦૦ જેટલા આયુષ્માન કાઢીને લોકોને અપાયા હોવાનું જણાયું છે. સૌરાષ્ટ્રના ગામોમાં પણ લેભાગુ તત્ત્વો દ્વારા આ પ્રકારનું રેકેટ ચલાવાતું હોવાની આશંકા છે. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ આદરી છે.