સુરતઃ મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતીની રવિવારે સવારે રહસ્યમય સંજોગોમાં ભડથું થયેલી લાશ મળી હતી. આ યુવતીની હત્યા કરાઈ છે કે અકસ્માતે આગ લાગતાં તેનું મોત થયું છે એ અંગે રહસ્ય છે. પોલીસે આ કેસમાં મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, પરંતુ તેમાં પણ કોઇ સ્પષ્ટતા નહીં થતાં વિવિધ સેમ્પલ FSLમાં મોકલાયા છે.
યુવતી ગુરખા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી હતી. તે સ્પામાં નોકરી કરતી. તેનું નામ વનીદા બુર્સોન (ઉ. વ. ૨૬) હતું. રવિવારે સવારે ૯ વાગ્યાના અરસામાં રહેણાક રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતાં મકાન માલિક નગીનભાઇનો જમાઇ ઉપરની મજલે દોડી ગયો હતો, પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હતું. તેથી દરવાજો તોડવામાં આવ્યો હતો. રૂમમાં યુવતીની લાશ બળી ગયેલી હાલતમાં મળી આવતાં જમાઈ ચોંકી ગયા હતા. એ પછી તુરંત જ ઉમરા પોલીસને જાણ કરાઈ હતી. આ ઘટનામાં રૂમમાં વનીદા ઉપરાંત મોબાઇલ ફોન, ઘરનો સરસામાન પણ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘરનો મેઇન દરવાજને બહારથી તાળું હોવાથી પોલીસે હત્યા કે અકસ્માતે આગ લાગતા બનેલી ઘટનાનું રહસ્ય જણાતા એફએસએલની મદદ લીધી હતી. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના મત મુજબ વનીદાનો મૃતદેહ સંપૂર્ણ સળગીને ભડથું થઇ ગયો હતો, પરંતુ શરીરે આંતરિક કે બાહ્ય ઇજાના કે કોઇ ઝપાઝપી થઇ હોય તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.