ભરૂચઃ કોંગ્રસ પરિવારનાં વંશજો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના દાદા અને પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ સ્વ. ફિરોઝ ગાંધીની ભરૂચના પારસીવાડ વિસ્તારમાં મિલકત હોવાના પુરાવા મળી આવ્યાં છે. આ મિલકત હવે સ્મારક બને તેવી માગ પણ ઊઠી છે.
ભરૂચના કોટ પારસીવાડ વિસ્તારમાં ફિરોઝ ગાંધીના પરિવારની મિલકત મળી આવી છે, જે જોતાં ગાંધી પરિવાર પોતે ગુજરાતી છે એમ કહે તો કોઈ નવાઈ નહીં. આ બાબતે સ્થાનિક પારસી સમુદ્દાયના લોકોએ વધુ તપાસ હાથ ધરી છે.
આ મિલકત દોઢસો વર્ષ જૂની અને ફિરોઝ ગાંધીના વડવાઓની હોવાની હકીકત સામે આવી છે. સ્થાનિક પારસીઓએ અગિયારીના નિયમોને અનુસરીને મિલકતની ખરીદી કરીને તેનો અભ્યાસ શરૂ કર્યો છે. વડવાઓની વાતોના આધારે આ મિલકત ફિરોઝ ગાંધીના પરિવારની હોવાનું બહાર આવતા દસ્તાવેજોની શોધખોળ શરૂ કરાઈ છે.
ભરૂચ પારસી પંચાયતના અધ્યક્ષ હોમી હોમાવાલાનું કહેવું છે કે આ મકાનમાં છેલ્લે દસ્તુર રહેતા હતા. જેઓનું થોડા સમય અગાઉ ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. દસ્તુર કહેતા હતા કે ફિરોઝ ગાંધીના કુટુંબીનું આ મકાન છે. મકાન સૈકા જૂનું છે માટે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ફિરોઝ ગાંધી પારસી હતા.
સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓએ વેપારી વડા મથક તરીકે ભરૂચની પસંદગી કરી હતી. તેથી મોટી સંખ્યામાં પારસીઓ ભરૂચમાં વસ્યા હતા જેમાં ફિરોઝ ગાંધીના વડવાઓનો પણ સમાવેશ થાય છે. જે તે સમયે પાલિકા અને સિટી સર્વે કચેરીઓ અસ્તિત્વમાં ન હોવાથી સ્પષ્ટ પુરાવા મળ્યા નથી, પરંતુ પારસી સજ્જનોની વાયકા અને અંગ્રેજ શાસનના દસ્તાવેજમાં ગાંધી પરિવારના ઉલ્લેખના આધારે આ હકીકત સ્વીકારવામાં આવી છે.
સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ પણ વાતને સમર્થન આપી રહ્યા છે કે આ મિલકત એક સ્મારક બને. સ્થાનિક અગ્રણી હાજી સઈદનું કહેવું છે કે આ મકાને વિસ્તારની ગરિમા વધારી છે અહીં સ્મારક બનવું જોઈએ.