ભરૂચઃ ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ ઘાટ, નર્મદા પાર્કમાં રવિવારે મહંતસ્વામીજીના હસ્તે સ્વ. પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિઓના વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે અપેક્ષા મુજબ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર રાજ્યભરમાંથી ઉમટી પડયું હતું. અસ્થિ વિસર્જન માટે આયોજકો દ્વારા લોખંડની રેલિંગથી નર્મદા પાર્કથી નર્મદા નદી સુધીનો એક અસ્થાયી બ્રિજ બનાવવામાં આવ્યો હતો. અસ્થિ દર્શન કરવા શ્રદ્ધાળુઓએ પડાપડી કરતાં મોડી સાંજે ૭.૦૦ વાગ્યના અરસામાં લોખંડની રેલિંગનો બ્રિજ કડડભૂસ થઈ ગયો હતો. આ ઘટનામાં ભરૂચના બે શ્રદ્ધાળુ મહિલાઓ કપિલાબહેન ખુશાલભાઇ પટેલ (ઉ.વ.૬૫) તથા મીનાબહેન મનહરભાઈ પટેલ (ઉ.વ.૫૨)નાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં ૮ વ્યક્તિઓ ઘાયલ થઈ
હતી. ઇજાગ્રસ્તોને ઝાડેશ્વરની સાંઈ શ્રદ્ધા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.