સુરત: સુરતના હજીરા સ્થિત ONGC (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના ગેસ ટર્મિનલમાં ૨૪મીએ મળસ્કે ગણતરીની મિનિટોમાં એક પછી એક ત્રણ બ્લાસ્ટ થયા હતાં. દરિયાઇ માર્ગે ૨૭૦ નોટિકલ માઇલ દૂરથી હજીરા આવતી બોમ્બે હાઇની ૩૬ ઇંચની મુખ્ય ટ્રન્ક લાઇનમાં ગેસ ગળતર થયું હોવાથી પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. બોમ્બે હાઇથી આવતી ૩૬ ઇંચની મુખ્યલાઇનમાં ગેસ ગળતરથી આગ લાગી હોવાનું જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું.
દેશની સૌથી મોટી તેલ અને ગેસ સંશોધન તથા ઉત્પાદન કંપની ONGCના સુરત કેમ્પસમાં ૧૦૦ ફૂટની ત્રિજ્યામાં લાગેલી આગના લપકારા ૧૦ કિ.મી. દૂર આકાશમાં ઉપર સુધી દેખાયા હતા. ઓએનજીસી કંપનીથી ૧૫ કિલોમીટર દૂર બ્લાસ્ટનો પ્રચંડ અવાજ સંભળાતા લોકો ખળભળી ઊઠયા હતા.
ભીષણ આગથી થોડે દૂર ઝૂંપડામાં રહેતા એક મજૂરનું મૃત્યુ થયું હતું. આ આગને કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.
સુરતમાં હજીરા સ્થિત ઓએનજીસી કંપની ૬૪૦ હેક્ટરમાં પથરાયેલી છે. ૨૦ કિ.મી. સુધીના વિસ્તારમાં ૨૪ જેટલા ગેસ ટર્મિનલ છે. આ સાથે અનેક પ્રકારના સ્ટોરેજ ટેન્ક પણ છે. આગ જો સ્ટોરેજ ટેન્કની નજીક આવેલા અન્ય ૨૪ ટર્મિનલમાં લાગી હોત કે પવનની દિશા સ્ટોરેજ ટેન્કથી વિરુદ્ધ ન હોત તો ઘણી મોટી દુર્ઘટના સર્જાઇ હોત. બોમ્બે હાઇથી હજીરા ઓએનજીસીમાં પ્રતિદિન ૩૦ મિલિયન મેટ્રિક ટન કાચો ગેસ આવે છે. જેનું કંપનીમાં રિફાઇનિંગ અને પ્રોસેસિંગ થાય છે. ત્યાર બાદ સુરતના હજીરા બેલ્ટમાં આવેલી કૃભકો, રિલાયન્સ, ગુજરાત ગેસ, એસ્સાર, ગેલ સહિતની કંપનીઓને જરૂરિયાત મુજબનો ગેસ પૂરો પાડવામાં આવે છે. વિવિધ કંપનીઓ હોય કે અલગ અલગ ૬ જેટલા રાજ્યોમાં તેને પાઇપલાઇન મારફતે પહોંચાડવામાં આવે છે.