હજીરા પોર્ટના લાઇસન્સ કેસઃ આર્સેલર મિત્તલ એસ્સાર સ્ટીલ સામે હાઇ કોર્ટમાં

Wednesday 29th July 2020 07:36 EDT
 

અમદાવાદઃ આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે (AMNSIL) રાજ્ય સરકાર અને એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ સામે તાજેતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી છે. હજીરા પોર્ટનું લાયસન્સ AMNSILના નામે કરવામાં સરકાર દ્વારા થતા વિલંબના મુદ્દે આ અરજી કરવામાં આવેલી છે. હાઈ કોર્ટમાં આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદાર આર્સેલર મિત્તલ સ્ટીલ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડે તેની અરજીમાં રજૂઆત કરી છે કે, AMNSIL દ્વારા એસ્સાર સ્ટીલને ખરીદવામાં આવેલી છે. એસ્સારને હસ્તાંતરણ કરવા માટેની ઈન્સોલ્વન્સી પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે AMNSIL દ્વારા ગુજરાત મેરિટાઈમ બોર્ડને અરજી કરીને વિનંતી કરવામાં આવેલી છે કે, હજીરા પોર્ટનું લાયસન્સ તેમના નામે કરી દેવામાં આવે. એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ (EBTL) દ્વારા નોમિની અથવા તો ટ્રસ્ટીના નામે લાયસન્સનો કબજો રાખવામાં આવેલો છે. ઈબીટીલ એ સ્વતંત્ર કંપની (લાયસન્સી) નથી, પરંતુ તે નોમિની અને ટ્રસ્ટી છે અને તેના નામે તેની પાસે બે લાયસન્સ છે. AMNSIL દ્વારા એસ્સાર સ્ટીલને ખરીદવામાં આવેલી છે. તેથી ઈબીટીએલને જેટી પર કબજો કરી શકે નહીં અને તેને લાઇસન્સ હોલ્ડર તરીકે આવો હક મળતો નથી.
બીજી તરફ, એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડનું કહેવું છે કે, તે સ્વતંત્ર કંપની છે. તેમને નોમિની અને ટ્રસ્ટી તરીકે કંપની સાથે કોઈ સંબંધ નથી. ભૂતકાળમાં આર્સેલર મિત્તલે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, એસ્સાર કંપનીની જે મિલકત છે. તે આર્સેલર મિત્તલને આપવામાં આવે. જેમાં, હજીરા પોર્ટ પર રહેલી જેટીનો કબજો પણ AMNSILને આપો. આ અંગે ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડને નિર્દેશ આપો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter