સુરતઃ થાઇલેન્ડની યુવતીના રહસ્યમય મોતની ઘટનામાં સપ્તાહમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મગદલ્લાના ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનિદા ઉર્ફે મિમ્મી બુર્સોનનો મૃતદેહ બળેલી હાલતમાં તેના રૂમમાંથી મળી આવ્યો હતો. વનિદાએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરાઈ છે એ અંગે પોલીસે તપાસ આદરી હતી.
પોલીસે એફએસએલ, ફોરેન્સિક મેડિકલની ટીમ, ડીજીવીસીએલ કંપનીના અધિકારીઓ, ઇલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરની મદદ લીધી હતી. તમામ રિપોર્ટમાં અને તપાસમાં અકસ્માતે મોત કે આત્મહત્યાની શકયતાને નકારવામાં આવતાં વનિદાની હત્યાની આશંકા પ્રબળ બની હતી. બે બીજી તરફ વનિદાના રહસ્યમય મોત પાછળ શરૂઆતથી જ શંકાના દાયરામાં આવનાર તેની હમવતની આયદા પોલીસ પૂછપરછમાં શંકાસ્પદ વાતો કરતાં પોલીસે તેની વધુ તપાસ કરી હતી. પોલીસે આયદાની રૂમમાં પણ સર્ચ કર્યું હતું. જે અંતર્ગત રૂમમાં ચોખાના ડબ્બામાંથી વનિદાની સોનાની ચેઇન મળી આવી હતી. આ ચેઇન આયદાને બતાવતા શરૂઆતથી જ પોતાની સંડોવણીનો ઇનકાર કરનાર આયદા ભાંગી પડી હતી અને તેણે લૂંટના ઇરાદે વનિદાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.