સુરતઃ કોમનવેલ્થમાં ગુજરાતને ગોલ્ડ મેડલનું ગૌરવ સુરતના હરમિત દેસાઇએ અપાવ્યું છે. ટેબલ ટેનિસમાં હરમિત દેસાઇનાં જબરદસ્ત દેખાવથી ભારતને ડબલ્સમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. સુરતના અને ગુજરાતનાં પ્રથમ ખેલાડીને કોમનવેલ્થમાં ગોલ્ડથી નવાજીત કરાતા સુરતમાં હરમિતના ઘરે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે ટેબલ ટેનિસ ડબલ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરતા દેશ સાથે સુરતમાં પણ તેની ઉજવણી થઇ હતી.
ટીમ ઇવેન્ટની ત્રીજી મેચમાં હરમિત દેસાઇ અને સાથિયાન ગમાસેકરે નાઇજીરીયાની જોડીને ૧૧-૮, ૧૧-૫ અને ૧૧-૩ થી માત આપી હતી. અને એ સાથે જ ભારતે ૧૨ વર્ષ બાદ ગોલ્ડ અંકે કરી લીધો હતો. સુરતનાં હરમિત દેસાઇને જ્યારે ગોલ્ડ એનાયત કરાયો ત્યારે સુરતમાં તેની ફેમિલી અને ટેબલ ટેનિસ એકેડમીમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. માતાપિતાએ સૌના મોં મીઠા કરાવ્યા હતાં.
મૂળ ઓલપાડના વતની તથા હાલ ડુમસ રોડ ખાતે રહેતા અને રાંદેર રોડ પર નર્સરી ચલાવતા હરમિતના માતા-પિતા અર્ચનાબેન અને રાજુલભાઇએ જણાવ્યું કે હરમિત તેની રમત પ્રત્યે ખુબ જ ગંભીર અને ઉત્સાહી હતો. પાંચ વર્ષની વયે તેણે ટેબલ ટેનિસ રમવાનુ શરૂ કરી દીધું હતું. સ્ટેટ, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે તે અનેક એવોર્ડ મેળવી ચુક્યો છે.
ટેબલ ટેનિસની પ્રેકટીસ માટે હરમિત માટે જર્મીનીથી એક રોબો મશીન મંગાવાયુ હતું. રોબો મશીન સાથે હરમિતે પ્રેકટિસ પણ કરી હતી. હવે તેઓ હરમિત સિંગલ્સમાં સારું પ્રદર્શન કરે તથા ઓલોમ્પિકમાં ક્વોલિફાય થાય એવી આશા રાખે છે. હરમિતની આગેકૂચ અટકશે નહીં એવુ એના પિતાએ આત્મવિશ્વાસ સાથે કહ્યુ હતું.
સુરત નહીં, ગુજરાતનો પ્રથમ ગોલ્ડ
હરમિતના ગોલ્ડ અંગે વાત કરતા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસીએશનના સેક્રેટરી હરેશ સંગતાનીએ જણાવ્યું કે ખરેખર આ ખુબ જ ખુશીના સમાચાર છે. વોટ્સએપ દ્વારા તેમને શુભકામનાઓ આપી હતી. હરમિતનો ગોલ્ડ સુરત માટે પહેલો ગોલ્ડ તો છે જ પણ ગુજરાત માટે પણ પહેલો ગોલ્ડ છે. અન્ય રમતમાં પણ કોઇ ગુજરાતનો પ્લેયર કોમનવેલ્થમાં ગોલ્ડ લાવ્યું હોય એવું બન્યુ નથી.
મુખ્ય પ્રધાનના અભિનંદન
કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમિત દેસાઈએ ગોલ્ડ મેડલ મેળવતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે હરમિતે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ બાદ ઘણા ખેલાડીઓ આવ્યા છે. આગામી દિવસોમાં ખેલ મહાકુંભમાંથી અનેક હરમીત બહાર આવશે.