કરજણઃ વડોદરા જિલ્લામાં આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની અને દોઢ વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા પ્રૌઢ દુકાનેથી વેનમાં ઘરે જતાં હતા ત્યારે અશ્વેત યુવાનોએ લૂંટના ઇરાદે કરેલા ફાયરિંગમાં તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાના સમાચાર મળતાં સાંસરોદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પાલેજ નજીક નેશનલ હાઇ-વે નં. ૮ પર સાંસરોદ ગામમાં દરગાહ સામે રહેતા અબ્દુલભાઈ હસનભાઈ પઠાણ (૫૩) છેલ્લા દોઢ વર્ષથી સાઉથ આફ્રિકાના થાયોન્ડો વેન્ડામાં સ્થાયી થયા છે અને નેલસ્પરીટ ટાઉનમાં હાર્ડવેર શોપમાં નોકરી કરતા હતા. શનિવાર, ૨૩ જુલાઇના રોજ નિત્યક્રમ મુજબ શોપ બંધ કરીને વકરો લઈને વાનમાં ઘરે પરત જવા નીકળ્યા હતા. તેમની સાથે બીજા ૧૦થી ૧૨ સાથીદારો પણ હતા. તેમની વાને હજુ તો બે-ત્રણ કિલોમીટરનું અંતર માંડ કાપ્યું હશે ત્યાં જ અચાનક સામેથી લૂંટના ઇરાદે કેટલાક અશ્વેત યુવાનો કારમાં ધસી આવ્યા હતા. હુમલાખોરોએ ધડાધડ છ રાઉન્ડ ફાયરિંગ કરતા વાન ચલાવતા અબ્દુલભાઇના માથામાં ગોળી વાગી હતી. અબ્દુલભાઇને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે માથામાં ગંભીર ઇજાના કારણે અબ્દુલભાઇનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત નીપજયું હતું.
મૃતક અબ્દુલભાઇએ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ વતનમાં ખેતીકામ પણ કરતા હતા. સાઉથ આફ્રિકામાં સ્થાયી થતાં પૂર્વે તેમણે યુકેનો પ્રવાસ પણ કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
આફ્રિકામાં વસવાટ કરતા ભરૂચ અને કરજણના તાલુકાના કેટલાક ગુજરાતી પરિવારોને આ હુમલાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે આ ગુજરાતી પરિવારો સાથે સ્થાનિક પોલીસે અસહકારભર્યું વર્તન કર્યાનો તેમજ અમાનવીય વલણ દાખવ્યું હોવાની લાગણી સાંસરોદમાં વસતા પરિવારજનોએ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક સમુદાયના એક જૂથ દ્વારા ગુજરાતી સમુદાય પ્રત્યેના વ્યવહાર-વર્તનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીયો, તેમાં પણ ખાસ કરીને ગુજરાતીને નિશાન બનાવતી ઘટનાઓ વધી રહી છે. થોડાક સમય અગાઉ મોઝામ્બિકના સુમોઇ ટાઉનમાં કરજણ તાલુકાના વલણ ગામના એક યુવક અને એક અન્ય ઘટનામાં લેન્સ ટાઉનમાં ભરૂચ તાલુકાના ઝંઘાર ગામની એક પરિણીતા હુમલાખોરોના ગોળીબારનો શિકાર બન્યા હતા. સાઉથ આફ્રિકામાં કેટલાક લોકો દ્વારા છાશવારે ભારતીયો ઉપર થઇ રહેલા હુમલાઓથી લોકોમાં દહેશતનો માહોલ પ્રવર્તે છે. આમ છતાં સ્થાનિક પોલીસ ગુજરાતી સમુદાયને સહકાર નહીં આપતી હોવાનું દુઃખ અને આક્રોશ પઠાણ પરિવારના સભ્યોએ વ્યક્ત કર્યો હતો.
આફ્રિકામાં વસવાટ કરતાં ગુજરાતીઓના ભરૂચ અને આસપાસના વિસ્તારમાં વસતાં પરિવારજનોમાં એવી લાગણી પ્રવર્તે છે કે સાઉથ આફ્રિકા જઇને કમાણી કરવાના સોનેરી શમણાં જોતાં લોકોને નિશાન બનાવીને થઇ રહેલા હુમલાઓ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે આફ્રિકાના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ નક્કર રજૂઆત કરવી જોઇએ. એટલું જ નહીં, ગુજરાતીઓ સહિતના ભારતીય સમુદાયની સલામતી માટે સત્વરે ઘટતું થાય તે માટે બનતા પ્રયાસ કરવા જોઇએ.