સુરતઃ બોર્ડની પરીક્ષાઓનું કારણ આપીને રવિવારે યોજાનારી ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલની સભાને સુરતમાં યોજવાની પોલીસે પરવાનગી આપી ન હતી. તેથી અકળાયેલા પાટીદારોએ ૧૮મી માર્ચની રાત્રે અને ૧૯મી માર્ચે સુરતમાં વિવિધ સ્થળે દેખાવ કર્યાં હતાં. રવિવારે યોગીચોક પાસે પાટીદારોનાં ટોળાએ પોલીસના વાહનો અને ત્યાંથી પસાર થતી સિટી બસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ૧૮મીએ દર્શન ચંદુ કાળસા અને અજય ચંદુ ભંડેરીને ઝડપી લીધા હતા. જોકે રવિવારે પરિસ્થિતિ વણસ્યા બાદ પોલીસે સંયમથી સ્થિતિને કાબૂમાં લીધી હતી.