સુરતઃ મુંબઈમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઈપીસી)ના નેજા હેઠળ ૭ જુલાઇએ આયોજિત એક બેઠકમાં રફની આયાતના મુદ્દે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં ૨૦૦થી વધુ ડાયમંડ કંપનીઓએ એક મહિના સુધી રફની આયાત રાબેતા મુજબ કરવાનો નિર્ણય કર્યો છે. ઉદ્યોગકારોનાં આ નિર્ણયથી તાત્કાલિક અસર હેઠળ લાખો રત્નકલાકારોની રોજગારી છીનવાઈ જવાનો જે ભય હતો તે અત્યારે ટળ્યો છે.
કાઉન્સીલના અધ્યક્ષ વિપૂલ શાહે આ અંગે જણાવ્યું હતું કે, એક માસ સુધી રફની આયાત બંધ કરાશે નહીં. એક માસ દરમિયાન અમે પરિસ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લઇને વધુ આયોજન કરીશું. હીરાઉદ્યોગમાં અવિશ્વાસનો માહોલ વ્યાપ્યો હોવાથી ઉદ્યોગકારોથી લઈને રત્નકલાકારો સુધી તમામ લોકો અસંમજસની સ્થિતિમાં છે. કંપનીઓને સ્વયં શિસ્ત જાળવીને વધુ ઉત્પાદન નહીં કરવાનું જણાવાયું છે.
રત્નકલાકારોનાં હિતને ધ્યાનમાં લઈને અગાઉથી હરકતમાં આવેલા સુરતના રત્નકલાકાર વિકાસ સંઘે રત્નકલાકારોને પડતી મુશ્કેલીઓ અને નાજુક સ્થિતિને લઈને પ્રમુખ જયસુખ ગજેરાની અધ્યક્ષતામાં સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપ્યું હતું. જેમાં નાની-મોટી હીરાની પેઢીઓમાં કામ કરતા રત્નકલાકારોની અત્યારની સ્થિતિ બાબતે સર્વે કરવાની માગણી કરી છે. કંપનીઓ એક માસ સુધી રાબેતા મુજબ રફની આયાત કરશે. તે રત્ન કલાકારો માટે એક સારા સમાચાર છે.