સુરતઃ કોરોના મહામારીની માઠી આર્થિક અસર હવે દરેક ઉદ્યોગ પર ભવિષ્યમાં રહેશે એવું જણાઈ રહ્યું છે. હીરાઉદ્યોગ પણ તેનાથી પર નથી. આર્થિક સંકટથી ઘેરાયેલા વિશ્વના ઘણા બધા દેશો હવે ધીરે-ધીરે ફરી એકવાર વેપાર ધંધાને ગતિ આપવા પ્રયત્નમાં છે. સુરતના હીરા ઉદ્યોગ માટે અગત્યના ખરીદકાર ગણાતાં અમેરિકા, ચીન અને હોંગકોંગમાં આંતરિક સમસ્યાઓ સર્જાઈ છે. જેના કારણે માંડ શરૂ થયેલા મેન્યુફેક્ચરિંગ પર ફરી બ્રેક લાગી શકે તેવી ચિંતા સર્જાઈ રહી છે. સુરતમાં તૈયાર કરવામાં આવતા કટ અને પોલિશ્ડ હીરા પૈકી ૩૯ ટકા હીરાની નિકાસ અમેરિકામાં થાય છે. તે સિવાય આશરે ૪ ટકા ચીન અને ૩૮ ટકા નિકાસ હોંગકોંગમાં કરવામાં આવે છે.
જ્વેલરી સેક્ટરમાં આપણે આગળ વધી શકીએ
અમેરિકામાં કોરોનાના કહેરની સાથે એક અશ્વેતનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને કેટલાક શહેરોમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ છે. દુકાન-મોલ વગેરે બંધ છે. લોકો ભયના લીધે બહાર નીકળી રહ્યા નથી. તે સિવાય અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધની અસરના લીધે ત્યાંનો વેપાર ઉધોગ હાલ વેટ એન્ડ વોચની મુદ્રામાં છે. જેની અસર ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર પડી રહી છે.
જે થોડા ઘણા ઓર્ડર મળવાની શરૂઆત થઇ હતી તેને પણ અસર થઈ છે. લોકડાઉન પછી સુરતથી વાયા હોંગકોંગ થઈને હીરાનો વેપાર થઈ રહ્યો છે. આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના સ્થાનિક પ્રમુખ દિનેશ નાવડિયા જણાવે છે કે, ભારતથી મોટા ભાગનો એક્સપોર્ટ વાયા હોંગકોંગ થઇ બેલ્જિયમ અને ઇઝરાયલમાં કરાય છે. બેલ્જિયમથી યુરોપના દેશોમાં નિકાસ થાય છે. ચીન અને અમેરિકામાં અવરોધ લાંબો ચાલે અને જો સુરતના હીરા ઉદ્યોગકારો વેલ્યુએડિશન તરફ વધુ ધ્યાન આપે તો જ્વેલરી સેક્ટરમાં આપણે આગળ
વધી શકીએ.