મુંબઇની જાણીતી રફ અને પોલિશ્ડ ડાયમંડ બ્રોકરેજ પેઢીનો માલિક રૂ. ૫૦ કરોડનો માલ ઉઘરાવી ગુમ થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. મુંબઇમાં આ કંપનીની ઓફિસ છે. રફ ડાયમંડ તથા વ્હાઇટ લાઇટ બ્રાઉન પોલિશ્ડનો વેપાર આ બ્રોકરેજ પેઢી ઘણા વર્ષથી કરે છે. વર્ષ ૨૦૧૨માં વિદેશની આ સબસીડયરી લિ. કંપનીએ મુંબઇમાં વેપાર શરૂ કર્યો હતો. વિદેશના બે, સૌરાષ્ટ્રના બે અને એક મુસ્લિમ હીરા ઉદ્યોગકાર આ પેઢીમાં ડાયરેક્ટર છે. વિદેશમાં આ સબસીડયરી કંપનીની મૂળ કંપની રફ ડાયમંડ બ્રોકરેજનુ કામ કરે છે અને તે લંડનમાં ડીટીસીની સાઇટ હોલ્ડરશીપ પણ ધરાવે છે.
ડ્રીમ સિટી નજીકના ગામોની કાયાપલટ થશે
સુરતના ખજોદ ખાતે સાકાર આકાર પામનારા ડ્રીમ સિટીને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં જમીનોના ભાવ આસમાને પહોંચવા સાથે રોજગારીની અનેક તકો ઊભી થશે તેવું માનવામાં આવે છે. સુરતને ડાયમંડ સિટીનો દરજ્જો મળ્યા પછી હવે તેને ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં એશિયાનું હબ તરીકે વિકસાવવાનું નવતર આયોજન થઇ રહ્યું છે. રાજ્ય સરકારે શહેરના વ્યવસાયકારોની અનુકુળતા માટે ડ્રીમ સિટીનો પ્લાન રજૂ કરતાં આ શહેરનો ચોમુખી વિકાસ થશે. સૂત્રો કહે છે કે, ડ્રીમ સિટી માટે ૨૨૦૦ એકર જમીન ફાળવાશે. એટલે કે ખજોદની આસપાસના સાતેક કિ.મી વિસ્તારમાં ડ્રીમ સિટીની રચાશે. ખજોદ ઉપરાંત સરસાણા, આભવા, વેસુ, અલથાણ, ભરથાણા સહિત ગભેણી, બુડિયા, જીઆવ, સોનારી, ભેસ્તાન, વડોદ અને બમરોલી ઉપરાંત સચીન આસપાસના વિસ્તારોમાં પણ જમીનોના ભાવો આસમાને આંબશે. ડ્રીમ સિટીના ભણકારા વચ્ચે છેલ્લા છ મહિનામાં આ વિસ્તારોમાં જમીનના ભાવો ઊંચાકાયા હતા.
સુરતમાં રૂ. ૧૩ કરોડનું કાળુ નાણુ પકડાયુંઃ ઇન્કમટેક્સ વિભાગે કતારગામ, ડભોલી અને સીંગણપોરના ત્રણ બિલ્ડરોને ત્યાં હાથ ધરેલા સર્વેમાં શિવમ જૂથ દ્વારા રૂ. ૬.૫૦ કરોડની બેનામી આવક કબુલવામાં આવી હતી. આ ઉપરાંત દેસાઈ અને સંગમ જૂથને ત્યાંથી અનુક્રમે રૂ. ૫.૨૦ કરોડ અને રૂ. ૧.૩૫ કરોડનું કાળુ નાણુ પકડાયું છે. આ સાથે ત્રણેય જૂથનું કુલ મળીને રૂ. ૧૩ કરોડનું કાળુ નાણુ શોધી કઢાયું છે.