સુરતઃ અલખા ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત જાન્યુઆરી-૨૦૨૧થી જ ડિઝાઈનર મોતીની ખેતી શરૂ થવાની છે. ડિસેમ્બર, ૨૦૨૦માં જ અમદાવાદમાં મોતીની ખેતી શરૂ થઈ ચૂકી હોવાના સમાચાર હતા. ઉલ્લેખનીય છે કે, દેશમાં કુલ ૨૮ ટકા મોતીની આયાત થાય છે. આ ખેતીમાં રૂ. ૪૦ હજારના ખર્ચમાં રૂ. ૨ લાખની કમાણીનો અંદાજ છે.
ગુજરાત ખેતી માટે અનુકૂળ
અલખા ફાઉન્ડેશને જણાવ્યું કે, ઝીંગા અને અન્ય સી-ફૂડ બિઝનેસ જાણીતો છે, પણ મોતીની ખેતીને ૧૦થી ૩૦ ડિગ્રી તાપમાન આવશ્યક છે. ગુજરાતનું વાતાવરણ મોતીની ખેતી માટે અનુકૂળ હોવાનું તજજ્ઞો જણાવે છે.
અમદાવાદમાં શરૂ થયેલી આ પ્રકારની ખેતીમાં અત્યાર સુધી ૨ સાહસિક જૂથ જોડાયા છે. મોતીની ખેતી થકી ૧૦થી ૧૫ વર્ષમાં ૧૫ ટકા સુધી ગુજરાત યોગદાન કરશે. અત્યાર સુધી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં મોતીનું ઉત્પાદન થતું હતું, હવે ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારની ખેતી માટે તૈયારી ચાલે છે.
૩ પ્રકારની છીપ
૩ પ્રકારની છીપ ભારતમાં મળે છે જેમાંના કોરિઓલિસ અને માર્જિનલિસા કોરિઓલિસ જે ગંગા નદીમાંથી મળે છે. કોરિઓલિસ પ્રકારના છીપ સ્થિર પાણીમાં મરી જાય છે જોકે, તેની ક્વોલિટી ખૂબ સારી હોય છે જ્યારે માર્જિનલિસા કોરિઓલિસ સ્થિર અને સતત વહેણવાળા પાણી બંનેમાં જીવતા રહે છે.
આખા મોતીની બનાવટ
સૌથી પહેલાં છીપ મંગાવવામાં આવે છે. જે નદીઓમાંથી મળે છે. મરી ગયેલી શેલનો પાવડર તૈયાર કરાય છે. જેના મિશ્રણથી બીજ તૈયાર કરાય છે. છીપની અંદર જીવંત માસનો ટુકડો હોય છે. જેના પર સર્જરી કરીને બીજ ઈમ્પ્લાન્ટ કરાય છે જ્યારે પણ છીપને દુ:ખાવો થાય છે ત્યારે તે બીજની ઉપર કેલશ્યમ છોડે છે. આ પ્રોસેસને પગલે એક વર્ષે મોતી તૈયાર થાય છે. ડિઝાઈનર છીપમાં ખાના હોય છે. જેમાં ડેન્ટલ પાવડરથી ડિઝાઈનર મોતી તૈયાર થાય છે. તેથી સુરતમાં તૈયાર થનારા ડિઝાઈનર મોતી ૧૨થી ૧૩ મહિનામાં તૈયાર થઈ જશે.
રૂ. ૪૦ હજાર ખર્ચમાં ૨ લાખની કમાણી
૧૫ ફૂટ પહોળા, ૧૫ ફૂટ લાંબાં તથા ૬ ફૂટ ઉંડા પાણીમાં એક હજાર છીપની ખેતી થઈ શકે છે. રૂ. ૩૦થી ૪૦ હજારના ખર્ચથી તેની ખેતી શરૂ થઈ શકે છે. એક વર્ષ સુધી પાણીમાં એમોનિયા અને પીએચપી લેવલ મેઈન્ટેઈન કરવું પડે છે. અંદાજ છે કે ૫૦૦ છીપ મરી શકે છે જોકે, બાકીના ૫૦૦ છીપ બચે તો પ્રત્યેક છીપ દીઠ ૨ મોતી તૈયાર થતાં હોય છે. આ છીપ એલગી ખાય છે.