નાના વરાછાના બાવન વર્ષીય હિંમતભાઇ વલ્લભભાઇ સાવલીયા નિવૃત્ત જીવન ગાળતા હતા. ૧૭મી જાન્યુઆરીએ તેમને પેટમાં દુઃખાવો થતાં પરિવાર દવાખાને લઇ જતો હતો ત્યારે ઘરમાં જ વોમિટ થઇ હતી. જેથી તેમને ૧૦૮માં નજીકની ડાયમંડ હોસ્પિટલ બાદ સાંજે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સિટીસ્કેનમાં તેમને બ્રેઇન હેમરેજ થયાનું નિદાન થયું હતું.
૧૯મી જાન્યુઆરીએ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. જેની જાણ થતાં ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશ માંડલેવાલા અને ટીમે હિંમતભાઇના સાવલિયા પરિવારના સભ્યોને અંગદાન અંગે સમજ અપાતાં તેઓ સંમત થયા હતા. દાનમાં મળેલી એક કિડની અમદાવાદના ૨૮ વર્ષીય રેણુકાબેન એસ. કુલકર્ણીને અને બીજી કિડની ૨૫ વર્ષીય સુરતના મનોજ એચ. દુબેને ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી. જ્યારે લિવર રિસર્ચ માટે રખાયું હતું.
જ્યારે તેમનું હૃદય મુંબઇના રહીશ શ્રીકાંત પાટીલ (ઉ.વ.૪૨)ને મુલુન્ડની ફોર્ટીસ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરત એરપોર્ટથી એર એમ્બ્યુલન્સમાં હૃદયને મુંબઇ લઇ જઇ ૧ કલાક અને ૨૪ મિનિટના સમયગાળામાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાયું હતું. એક મહિનામાં ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં હૃદય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરવાની આ બીજી ઘટના છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવીને ડોનેટ લાઇફ દ્વારા ૧૩૭ કિડની, ૪૩ લીવર, ૩ પેન્કીઆસ, ૨ હૃદય અને ૧૧૨ ચક્ષુ દાનમાં મેળવીને ૨૯૭ વ્યક્તિઓને નવજીવન અને રોશની અપાઇ છે.