સુરતઃ મુંબઇ સુરત મેઇન રેલવે લાઇન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૧૪૩ પર રૂ. ૩૪ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થતા સુરત શહેરમાં પુલોની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઇ છે. એક જ શહેરમાં ૧૦૦ પુલ હોય તેવું સુરત રાજ્યનું પહેલું શહેર છે. અમદાવાદ કે વડોદરા જેવા મહાનગરોમાં પણ ૧૦૦ બ્રિજ નથી.
આજે સુરતમાં રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, રેલવે ઓવર બ્રિજ અને ખાડી બ્રિજની કુલ સંખ્યા ૧૦૦ને પાર કરી ગઇ છે. ૧૦૦ બ્રિજ પાછળ પાલિકાએ અત્યાર સુધીમાં રૂ. ૧૩૦૨ કરોડનો ખર્ચ કર્યો છે. શહેરમાં અત્યારે ૧૦ રિવર બ્રિજ, ૫૮ ખાડી બ્રિજ, ૨૩ ફ્લાય ઓવર બ્રિજ, આઠ રેલવે ઓવર બ્રિજ અને એક સબ વેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત હાલમાં અલગ અલગ વિસ્તારમાં કુલ ૧૫ બ્રિજના કામો ચાલી રહ્યા છે. આ પ્રોજેકટ પૂરાં થતા સુરતમાં પુલોની સંખ્યા ૧૧૫ પર પહોંચશે. અત્યારે રૂ.૭૮૮ કરોડના ખર્ચે ૧૫ પુલનું નિર્માણ થઇ રહ્યું છે. સુરત મહાનગરપાલકાએ તૈયાર કરેલા ૧૦ તાપી પુલ પાછળ કુલ રૂ. ૩૫૧ કરોડનો ખર્ચ થયો છે.